સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે ઉપર પોલીસે અગાઉથી મળેલી બાતમી અને શંકાના આધારે રાજસ્થાન પાર્સીગના ટ્રકની તલાશી લેતા ટ્રકમાં ચોર ખાનું બનાવી તેમાંથી 951 બોટલો વિદેશી દારૂની મળી આવતા ચકચાર મચી છે. ચોટીલા હાઇવે ઉપરથી વિદેશી દારૂના જથ્થા અને ટ્રક સહિત રૂ. 9,98,600ના મુદામાલ સાથે એક આરોપીને ઝબ્બે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લા ઇન્ચાર્જ પોલીસ વડા એચ.પી.દોશીની કડક સૂચના અને ચોટીલા ડીવાયએસપી સી.પી.મૂંધવાની આગેવાનીમાં ચોટીલા પી.આઇ. જે.જે.જાડેજા સહિતના પોલીસ સ્ટાફને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન હાઇવે પર છટકું ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળેલી કેસરી અને સફેદ કલરની રાજસ્થાન પાસીંગના ટ્રક નંબર RJ-19-GD-3619ને આંતરીને એની સઘન તપાસ કરવામાં આવી હતી.જેમાં ટ્રકમાં ટ્રકની કેબીન પાછળ બનાવેલા લોખંટના અલગ ખાનાના બોલ્ટ ખોલી એમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ- 951, કિંમત રૂ. 4,86,600, મોબાઇલ નંગ-1, કિંમત રૂ. 500, રોકડ રૂ 11,500 તથા ટ્રક કિંમત રૂ. 5,00,000 મળી કુલ રૂ. 9,98,600ના મુદામાલ સાથે દારૂની ખેપ કરનારા હરીરામ ભેપારામ બિશ્નોઇ ( રહે- ચાંદેલાવ, તા. બીલાડા, જિલ્લો- જોધપુર (રાજસ્થાન)ને ઝબ્બે કરી પ્રોહી ધારા હેઠળ ચોટીલા પોલીસ મથકે ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.ચોટીલા પોલીસના આ દરોડામાં પોલીસ ઇન્સપેક્ટર જે.જે.જાડેજા, એએસઆઇ મનસુખભાઇ રાજપરા, દિલાભાઇ ડાંગર, વિજયસિંહ સોલંકી, કેહાભાઇ મકવાણા અને સરદારસિંહ બારડ તથા ભરતભાઇ તરગટા અને કિશનભાઇ લકુમ સહિતનો ચોટીલા પોલીસનો સ્ટાફ સાથે હાજર હતો. ત્યારે ચોટીલા હાઈવે ઉપર અંગ્રેજી દારૂ પોલીસે ઝડપી પાડ્યા બાદ આજુબાજુના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.