લખતર તાલુકાનાં ઓળક નજીક રાત્રે ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. ત્યારે એક વ્યક્તિને ઇજા થતાં લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. કારમાં સવાર બંને વ્યક્તિઓ મહેસાણાથી વઢવાણ પ્રાસંગિક કામે જતાં હતાં.મહેસાણાથી વઢવાણ પ્રાસંગિક કામે દંપતિ કાર લઈને તા.11-5-23ને ગુરૂવારના રોજ રાત્રે જતા હતા. તેઓ લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપરથી પસાર થતા હતા. આ દરમિયાન આ રોડ ઉપર ઓળક ગામ નજીક ટ્રેકટરના પાછળનાં ભાગે કાર અથડાતાં કારમાં બેઠેલી મહિલા જાનવીબેન કૌશલભાઇ શુક્લનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કૌશલભાઈને ઇજા થતાં સારવાર અર્થે લખતર સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. બાદમાં જાનવીબેનની લાશનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ બનાવની જાણ થતાં જ લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં કાર્યવાહી હાથ ધરી હતી.