કલેક્ટરશ્રીએ નારી સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લઇ તેમાં આશ્રય લઇ રહેલી બહેનોને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી સુચના આપી
દિકરીઓના જન્મદરમાં વધારો થાય એ માટે ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર- પ્રસારના માધ્યમથી જાગૃતિ લાવીએ – કલેક્ટરશ્રી વરૂણ બરનવાલ
પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે કલેક્ટરશ્રી વરૂણ બરનવાલના અધ્યક્ષસ્થાને નારી સંરક્ષણ કેન્દ્ર વ્યવસ્થાપક કમિટી, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર અને બેટી બચાવો, બેટી પઢાવો યોજના સહિત વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ નારી સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લઇ તેમાં આશ્રય લઇ રહેલી બહેનોને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. નારી સંરક્ષણ કેન્દ્રમાં નિવાસ કરતી બહેનો મુક્ત રીતે આનંદમય વાતાવરણમાં રહી શકે તથા તેમના જીવનનું પુનઃસ્થાપન થાય તેવા પ્રયાસો કરવા તેમણે જણાવ્યું હતું.
સમાજમાં દિકરા અને દિકરીના અસંતુલનને રોકવા તથા દિકરીઓના શૈક્ષણિક વિકાસ માટે બેટી બચાવો, બેટી પઢાવો યોજનામાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી જિલ્લામાં દિકરીઓના જન્મદરમાં વધારો થાય એ માટે ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર- પ્રસારના માધ્યમથી જાગૃતિ લાવી તેનું સતત મોનીટરીંગ કરવા કલેક્ટરશ્રીએ સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી પી. પી. શાહ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ. બી. વ્યાસ, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી રમિલાબેન રાઠોડ, ર્ડા. રીટાબેન પટેલ, શ્રી હરેશભાઇ ચૌધરી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.