રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો ભરેલું કન્ટેનર બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે. ડીસા નજીક કુચાવાડા પાસેથી દારૂ અને કન્ટેનર સહિત કુલ 32.88 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે માટે કડક પ્રયાસો હાથ ધર્યા છે. તેમજ એલસીબી પીઆઇ એસ.ડી.ધોબી, પી એસ આઈ એ.બી.ભટ્ટ સહિતની ટીમના માણસો ડીસા વિસ્તારમાં નાઇટ રાઉંન્ડ પેટ્રોલીંગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે એક બંદ બોડીનુ દારૂ ભરેલું કંન્ટેનર રાજસ્થાનથી વાયા પાંથાવાડા થઇ અમદાવાદ તરફ જનાર છે. જેથી પોલીસે કુચાવાડા ત્રણ રસ્તા તેમજ કુચાવાડાથી દાંતીવાડા તરફ જતા રસ્તા ઉપર નાકાબંધી કરી હતી.
તે દરમ્યાન એક શંકાસ્પદ કંન્ટેનર રાજસ્થાન તરફથી આવતા તેને રોકાવી ચાલકનુ નામઠામ પુછતા તેણે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સાલારીયા ગામનો અશોક ધર્મારામ દેવાસી જણાવ્યું હતું. પોલીસે કન્ટેનર ખોલી જોતા તેમાં વિદેશી દારુની કુલ 6 હજાર બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દારૂ તેમજ રૂપિયા દસ લાખનું કન્ટેનર તેમજ મોબાઇલ ફોન સહિત કુલ 32.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે કંન્ટેનરના ચાલકની પૂછપરછ કરતા કંન્ટેનરમા દારૂ ભરી આપનાર સોહન અંકલનું નામ જણાવ્યું હતું. જેથી પોલીસે ટ્રક ચાલક અશોકકુમાર દેવાસી, દારૂ ભરાવનાર સોહન અંકલ, ટ્રકના માલીક તેમજ દારૂ મંગાવનાર રાજકોટના વ્યક્તિ સહિત 4 લોકો સામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.