રાજય સરકારના પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા દશ ગામદીઠ ફરતા પશુ દવાખાના બનાસકાંઠા જિલ્લામાં અબોલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઇ રહ્યા છે. થરાદ તાલુકાના ડેલ ગામમાંથી ગુજરાત સરકારના ૧૯૬૨ ટોલ ફ્રી હેલ્પલાઇન ઇમરજન્સી કોલ મળેલ કે, ગૌતમભાઈ વાણીયાએ પોતાના ઘરે એક રખડતું કૂતરું પાળેલું છે. જેની એક જમણી આંખ ફુટી ગઈ છે અને એની આંખમાંથી લોહી આવતું હોવાથી તેને આંખનું ઓપરેશન કરવું જરૂરી છે. જેનાથી આ કુતરાને આંખની અંગ પીડામાંથી મુક્તિ મળે અને તે સારી રીતે જોઇ શકે તથા પીડા રહિત જીવન વ્યતીત કરી શકે. 

           

આ અંગે ગૌતમભાઇ વાણીયાએ અબોલ પશુઓ માટે દશ ગામદીઠ ફરતા પશુ દવાખાનાનાં ૧૯૬૨ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરતા પશુ ચિકિત્સક ડૉ. સંજય કુંભાર, ડૉ. સુરેશ પ્રજાપતિ અને પાયલોટ કમ ડ્રેસર ભરતસિંહ ડોડીયા તાત્કાલિક સ્થળ પર પહોંચી કુતરાના આંખની ચકાસણી કરતા તેની આંખ લાલચોળ અને લોહી નીકળતું હોવાથી ખૂબ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળ્યું હતું. તેના હાવભાવ પરથી લાગતું હતું કે તેને અસહ્ય દુઃખાવો થતો હશે. તેથી પશુઓના તબીબો દ્વારા ૨-૩ કલાકની ભારે જહેમત ઉઠાવી તાત્કાલિક ઓપરેશન કરી ટાંકા લઈને તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ કુતરાને ઘરઆંગણે સારવાર મળતા ગૌતમભાઇ વાણીયા અને ડેલના ગ્રામજનોએ ગુજરાત સરકારની દશ ગામદીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાનાની આ સેવાની પ્રસંશા કરી આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર હાર્દિક બારોટ અને પ્રોગ્રામ મેનેજર ડૉ. મયંક પટેલ દ્વારા ટીમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી તથા ગ્રામજનોને અબોલ પશુઓ માટેની આ સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી હતી..