પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રૂ. ૫૪.૯૬ કરોડના ખર્ચે હાથ ધરાનાર કનેવાલ સિંચાઈ તળાવ આધારીત પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડવાના કામોનું ખાતમુહૂર્ત કરાશે આ યોજનાનો તારાપુર તાલુકાના ૨૪ અને ખંભાત તાલુકાના ૧૪ ગામોના કુલ મળી ૮૬ હજારથી વધુ લોકોને લાભ મળશે

આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના લોકોને કનેવાલ સિંચાઈ તળાવ આધારીત પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અંદાજિત રૂ.૫૪.૯૬ કરોડના ખર્ચે હાથ ધરાનારા કામોનું રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આગામી તા. ૧૧, મે ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. 

આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રેલ ખાતે તા. ૧૧, મે ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યોજાનાર આ ખાતમુહૂર્ત સમારોહમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી શ્રી રમણભાઈ સોલંકી, આણંદના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમાર, સોજીત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, તારાપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિજયભાઈ ભરવાડ સહિત જિલ્લાના ધારાસભ્યો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તારાપુર અને ખંભાત તાલુકાના લોકોને પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે હાથ ધરાનાર આ મિલરામપુરા-ગોરાડ સુધારણા જુથ પાણી પુરવઠા યોજનાના વલ્લી ગૃપ પેકેજ-૧, તામસા ગૃપ પેકેજ-૨, રોહીણી-કસ્બારા ગૃપ પેકેજ-૩ અને મોરજ-ગલીયાણા ગૃપ પેકેજ–૪ ના કુલ રૂ. ૫૪.૯૬ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ યોજનાનો તારાપુર તાલુકાના ૨૪ અને ખંભાત તાલુકાના ૧૪ ગામોના કુલ મળી ૮૬ હજારથી વધુ લોકોને લાભ મળશે..