પાટડી તાલુકાના કચોલીયા ગામના બોર્ડ પાસેથી બોલેરા ગાડીમાં તાડપત્રીની આડમાં બિયરના- 888 બોટલો સાથે બે શખ્સો ઝડપાયા હતા. જેમાં બજાણા પોલીસ વિદેશી દારૂ, 2 મોબાઇલ અને બોલેરો કાર મળી કુલ રૂ. 7.96 લાખનો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પોલીસ મથકના પી.એસ.આઈ એસ.પી.ઝાલા સહિતના પોલીસ સ્ટાફ હાઇવે પર પેટ્રોલિંગમાં હતો. ત્યારે બજાણા પોલીસ મથકના યશપાલસિંહ રાઠોડને પાક્કી બાતમી મળી હતી કે, ધ્રાંગધ્રા વિરમગામ હાઇવે પર કચોલીયા બોર્ડ પાસે બોલેરો પીકઅપ ગાડીમાં તાડપત્રીની આડમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઇ જવાતો હતો.જે બાતમીના આધારે માલવણ હાઇવે પર કચોલીયાના બોર્ડ પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી બોલેરો પીકઅપ ગાડીને કોર્ડન કરી અંદર તપાસ કરતા ગાડીમાં તાડપત્રીની આડમાં વિદેશી દારૂના જથ્થાની 37 પેટીઓ કે જેમાં બિયર નંગ-888, કિંમત રૂ. 88,800 અને મોબાઈલ નંગ-2, કિંમત રૂ-8,000 અને એક બોલેરો ગાડી કિંમત રૂ. 7,00,000 મળી કુલ રૂ. 7,96,800ના મુદામાલ સાથે હર્ષપાલ નટુભાઈ વાણિયા ( રહે-લીંબડી ) અને મંગલેશ કેશાભાઈ નાગડેકીયા ( રહે.કંકાવટી તા-ધ્રાંગધ્રાવાળા )ને ઝડપી પાડી બંને ઈસમો વિરૃદ્ધ બજાણા પોલીસ મથકે પ્રોહીબીશન અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બજાણા પોલીસના આ દરોડામાં પી.એસ.આઈ, એસ.પી.ઝાલા સાથે એમ.બી.ડોડીયા, રોહિતકુમાર પટેલ, યશપાલસિંહ રાઠોડ, જયપાલસિંહ ઝાલા, સહિતનો પોલીસ સ્ટાફ હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.