*વિટામીન પ્રોટીન કાર્બોહાઇડ્રેટસથી ભરપૂર એવા સરગવાની ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા મળી રહી છે સહાય*
“સરગવાની ખેતીમાં સહાય” યોજનાનો લાભ લેવા દાહોદનાં ખેડૂતોએ આગામી ૩૧ મે સુધીમાં આઇખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે
પોષકતત્વો અને ઔષધિય ગુણોના ભંડાર ધરાવતા સરગવાને રોજિંદા આહારમાં આપીએ સ્થાન
( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) આયુર્વેદ મુજબ આપણો આહારમાં જ ઉપચાર છે. આપણે ભોજન સમ્યકતા અને જરૂરી પોષકતત્વોના પૂરતા પ્રમાણ સાથે લઇએ તો આ આહાર જ આપણને રોગમુક્ત રાખે છે. એટલું જ નહીં રોગોમાંથી મુક્તિ પણ અપાવે છે. આ જ કારણથી રોજિંદા ભોજનમાં શાકભાજી પૂરતા પ્રમાણમાં લેવી જરૂરી છે.
લોકોમાં યોગ્ય પોષકતત્વો અને ઔષધિય ગુણો ધરાવતા શાકભાજીનો સમાવેશ રોજિંદા આહારમાં કરી રહ્યાં છે ત્યારે પોષકતત્વો અને ઔષધિય ગુણોના ભંડાર સમાન સરગવો ગૃહિણીના રસોડામાં સ્થાન જમાવી બેઠો છે. સરકાર દ્વારા પણ સરગવાની ખેતીને પ્રોત્સાહન મળે એ માટે ખેડૂતોને સહાય મળી રહી છે.
સરકાર દ્વારા કઇ રીતની સહાય મળી છે તેના વિશે પણ વાત કરીશું પણ પહેલા સરગવો આહારમાં કેમ ઉત્તમ છે તેની વાત કરીએ. સરગવાની સિંગોમાં વિટામીન “બી” અને “સી” ભરપુર પ્રમાણમાં હોય છે. સરગવાની સિંગોમાં કાર્બોહાઈડ્રેટસ ૩.૭ %, પ્રોટીન ૨.૫% તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ તત્વો રહેલા છે. આ ઉપરાંત સરગવાના મૂળ, ફૂલ અને છાલમાં પણ ઔષધીય ગુણ સમાયેલા છે.
દાહોદનાં નાયબ બાગાયત નિયામક શ્રી એચ.બી. પારેખે સરગવાના ઔષધિય ગુણો વિશે વિગતે વાત કરતા જણાવ્યું કે, સરગવાની સિંગના માવામાં દીપન ગુણને કારણે મંદાગ્નીમાં, સંધિવા, શરીરનું અકડાઈ જવુ, પક્ષાઘાત, અનામત, સોજા, પથરી તેમજ ચામડી રોગોમાં રાહત આપે છે. હેડકી અને શ્વાસની બિમારીમાં પણ સરગવાના પાનનો રસ રાહત આપે છે.
રસોડામાં સરગવાની વિવિધ ચટાકેદાર વાનગીઓ બનાવી શકાય છે. સરગવાની સિગનું શાક તથા કઢી બનાવી શકાય છે. તેના પાન અને ફૂલની ભાજી બનાવી શકાય છે. મૂળ અથાણા રૂપે, રસમ, દાળ વગેરેમાં પણ વપરાય છે.
બાગાયત વિભાગ, ગુજરાત રાજય દ્વારા સરગવાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે “સરગવાની ખેતીમાં સહાય” યોજના કાર્યરત છે. આ યોજનાના ધારાધોરણો મુજબ પ્લાંન્ટીગ મટીરીયલ ખરીદીમાં રૂ.૮૦૦૦/- યુનીટ કોસ્ટ સામે સામાન્ય જાતિના ખેડુતને રૂ.૪૦૦૦/ હેકટર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને રૂ. ૬૦૦૦ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
સરગવાની ખેતી ખર્ચ માટે સહાય ઘટક મુજબ રૂ.૧૭૦૦૦ યુનીટ કોસ્ટ સામે સામાન્ય જાતિના ખેડુતને રૂ.૮૫૦૦ હેકટર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિ જનજાતિના ખેડૂતને રૂ.૧૨૭૫૦ હેકટરની મર્યાદામાં સહાય આપવામા આવશે.
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૩૧.૫.૨૦૨૩ સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલ અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનીક કાગળો જેવા કે ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જીલ્લા સેવા સદન, રૂમ નંબર: ૨૩૩ થી ૨૩૫, બીજો માળ, દાહોદ - ફોન નં – ૦૨૬૭૩-૨૩૯૨૫૧ કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. સરકારની આ યોજનાનો અવશ્ય લાભ લેવા નાયબ બાગાયત નિયામકશ્રીએ જણાવ્યું છે.