ડીસાના ગ્રામીણ વિસ્તારમાં રહેતી એક સગીરાનું ઝેરડા ગામના શખ્સે અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. જેનો કેસ ડીસાની અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશે આરોપીને દસ વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતી એક સગીરાનું છ વર્ષ અગાઉ મૂળ રાજસ્થાનના સાંચોર અને ડીસા તાલુકાના ઝેરડા ગામે રહેતો પ્રકાશભાઈ લીલાભાઈ ઓડે લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. આ અંગે સગીરાની માતાએ ડીસા પોલીસ મથકે 2017માં ફરિયાદ નોંધાવી હતી.

પોકસોનો આ કેસ ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સ્પેશિયલ પોસ્કો જજ આર. આર. ભટ્ટે સરકારી વકીલ નીલમબેન એસ વકીલ (બ્રહ્મભટ્ટ)ની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પ્રકાશભાઈ લીલાભાઈ ઓડને ઇપીકો કલમ 376 અને પોકસો એકટની ક. 4, 6 માં તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 5000નો દંડ, જો દંડ ના ભરે તો વધુ એક વર્ષની કેદનો હુકમ કર્યો હતો. ન્યાયાધીશે દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને રૂપિયા 6 લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો.