રાણપુર તાલુકામાં ચાલી રહેલા જુગારધામ પ્રત્યે પોલીસ અજાણ હતી ત્યાં સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરે સુંદરિયાણા ગામમાં દરોડા પાડી પાંચ જુગારીને ઝડપી પાડયા હતા. જ્યારે સાત જુગારી ભાગવામાં સફળ રહ્યા હતા. રાણપુર તાલુકાના સુંદરિયાણા ગામમાં રાજુભાઈ બાબુભાઈ ખાચરની વાડીની બાજુમાં ત્રિભેટ લીમડાના ઝાડ નીચે જુગાર રમાઈ રહ્યો હોવાની સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરને બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડો પાડતાંઅશ્વિનભાઈ બાબુભાઈ બાવળીયા (ઉં.વ.30, રહે.ગઢડા રોડ, બોટાદ),રવિભાઈ કરસનભાઈ બોરીચા (ઉં.વ.42, રહે. ભાવનગર), નિલેશ અરવિંદભાઈ બોરીચા (ઉં.વ.21, રહે ભાવનગર), રણછોડભાઈ કરસનભાઈ વાટુકિયા (ઉં.વ.30, રહે. સાંગણપુર તા.રાણપુર) તથા મુન્નાભાઈ હીરાભાઈ રોજાસરા (ઉં.વ.39, રહે. બોટાદ)ને જુગાર રમતા ઝડપી લીધા હતા.જ્યારે જુગાર ચલાવનાર મુખ્ય વોન્ટેડ આરોપી વિક્રમ મેરૂભાઈ ગોહિલ (રહે. હડાળા ભાલ, તા.ધંધુકા),વોન્ટેડ આરોપી મુન્નાભાઈ કોળી (રહે. હડાળા ભાલ, તા. ધંધુકા), વોન્ટેડ આરોપી કુલદીપસિંહ દરબાર (રહે. ભાવનગર),જુગાર રમવાની વ્યવસ્થા પૂરી પાડનાર વોન્ટેડ આરોપી રાજુભાઈ બાબુભાઈ ખાચર (રહે. સુંદરીયાણા તા. રાણપુર) તથા અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સ્ટેટ મોનીટરિંગ સેલએ 1.97 લાખનો મુદ્દામાલ કબજે કરીને 12 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.