ગામમાં દારૂ બંધ કરાવવા માગ: દિયોદરના નોખા ગામમાં યુવાનો દારૂના રવાડે ચડી જતા ગ્રામજનોમાં રોષ, સરપંચ સહિતનાઓએ દારૂનું વેંચાણ બંધ કરાવવા રજૂઆત કરી

દિયોદરના નોખા ગામના સરપચ સહિત ગ્રામજનોએ દિયોદર પોલીસ મથકે પહોંચી ગામમાં દારૂ બંધ કરાવવા રજૂઆત કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, બુટલેગરો દૂધની બરણીમાં દારૂનું વેચાણ કરી રહ્યા છે. બુટલેગરને ત્યાં રેડ પાડી દારૂ પકડવો જોઈએ, નાના છોકરાઓ દારૂના રવાડે ચડી ગયા છે. ત્યારે સરપંચ અને ગ્રામજનોએ દિયોદર પોલીસ કચેરીએ પત્ર લખી રજૂઆત કરી છે.

ગામના સરપંચ સાથે અગ્રણીઓએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા વારંવાર દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા રજૂઆતો કરેલ પરંતુ બુટલેગરો દ્વારા દારૂનું બેફામ જાહેરમાં વેચાણ થઈ રહેલ છે. અમારા ગામના યુવાન દારૂના રવાડે ચડી રહ્યા છે તો સાંજે પાંચ વાગ્યા પછી ગુપ્ત તરીકે દુધની બરણીઓમાં દારૂ લઈ જતા હોય છે. સરપંચ અને ગ્રામજનોની નમ્ર અરજ કે નોખા ગામે દારૂનું વેચાણ બંધ કરવામાં આવે. અમારા નોખા ગામે બહાર ગામના લોકો દારૂ લેવા આવે છે જે અમારા નોખા ગામ માટે જોખમ કારક છે. ગામમાં કોઈ અજુગતો અણ બનાવ બને કે મોટું કોઈ દુખ આવે તેવી સભાવના હોઈ આ બાબતે ધ્યાને લઈ કાર્યવાહી કરવા રજુઆત છે.