સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નરાડી અને વિરેન્દ્રગઢની વચ્ચે માળિયા બ્રાન્ચ કેનાલમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા પોલીસ બેડામાં પણ હડકંપ મચી જવા પામ્યો છે.જેમાં માળીયા બ્રાન્ચ કેનાલ કે જે ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ રહી છે, તેમાં એક પુરુષની લાશ પાણીમાં તરતી હોય તેવી દેખાતા સ્થાનિકો દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. આથી ધ્રાંગધ્રા પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક તરવૈયાની મદદથી લાશને બહાર કાઢી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવી હતી.ત્યારે ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતી માળીયા બ્રાન્ચ કેનાલમાં જે પુરુષની લાશ મળી એને કોથળામાં વીંટવેલી તેમજ નાની મોટી ઈજા હોય એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ. આથી ધ્રાંગધ્રા પોલીસ દ્વારા પુરુષની ઓળખ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અને વધુમાં આ પુરુષની લાશ કોથળામાં વીંટવેલી અને નાની મોટી ઇજા હોવાથી પુરુષની હત્યા થઈ હોય એવું અનુમાન લગાવી શકાય એમ છે. વધુમાં આ મૃત પુરુષની ઉંમર અંદાજે 45 વર્ષ હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.