સમગ્ર રાજ્યમાં રવિવારે લેવાનારી તલાટીની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચે તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડીસા ડેપો દ્વારા અનેક રિઝર્વેશન સેન્ટરો અને પરીક્ષાર્થીઓને સમયસર સ્થળે પહોંચાડવા માટે 25 એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરાઈ છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી તલાટી પરીક્ષા 7 મે રવિવારના રોજ લેવાનાર છે. આ પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લામાંથી હજારો પરીક્ષાર્થીઓને કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા ખાતે પરીક્ષા આપવા જવું પડશે. જે માટે પરીક્ષાર્થીઓ તેમના પરીક્ષા સ્થળ પર સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર ડિવિઝન દ્વારા વધારાની બસો મૂકવામાં આવી છે.
જેમાં ડીસા ડેપો દ્વારા અંદાજિત 20થી વધારે ઓનલાઇન રિઝર્વેશન સેન્ટર ઉભા કરાયા છે. પરીક્ષાર્થીઓએ પણ આ બસની સેવાનો લાભ લેવો હોય તો વહેલી તકે બુકિંગ કરાવી લેવા પણ ડેપો દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ પરીક્ષાર્થીઓને તેમના પરીક્ષા સ્થળે સમયસર પહોંચી શકે તે માટે 25થી પણ વધુ બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવશે. ડીસાથી આણંદ, ખેડબ્રહ્મા, હિંમતનગર, મોડાસા, ઇડર, અમદાવાદ, સંતરામપુર, ગાંધીનગર જેવા સ્થળોએ જવા માટે ખાસ વ્યવસ્થા કરેલી છે.