લીંબડી-બોટાદ હાઈ-વે પર પાંદરી ગામના પાટીયા નજીક રિક્ષા અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર માતા-પુત્રીને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર અને મૃતકને પીએમ અર્થે લીબડી સિવિલ હૉસ્પિટલે ખસેડાયા હતા .લીંબડી તાલુકાના અંકેવાળિયા ગામે દલીત વાસમાં રહેતા 35 વર્ષના ગિરીશભાઈ કાંતિભાઈ રાઠોડ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.ગિરીશભાઈ પત્ની ભુમિબેન અને દોઢ વર્ષની પુત્રી રિયા રાઠોડ સાથે રિક્ષા લઈને બોટાદ લગ્ન પ્રસંગે ગયા હતા. લગ્ન પ્રસંગમાં હાજરી આપી ગિરીશભાઈ પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે લીંબડી-બોટાદ હાઈ-વે પર પાંદરી ગામના બોર્ડ નજીક આઈસર સાથે રિક્ષા ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે રિક્ષાનું પડીકું વળી ગયું હતું. ગિરીશભાઈ, ભુમિબેન અને રિયાને ઈજા પહોંચી હતી. ઘાયલોને સારવાર અર્થે લીંબડી સિવિલ હૉસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં હાજર ડૉક્ટરે ગિરીશભાઈને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પત્ની ભુમિબેન અને રિયા સારવાર હેઠળ છે. પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી દીધી છે.