રખડતા પશુઓનો ત્રાસ યથાવત: ડીસામાં ત્રણ આખલાઓ યુદ્ધે ચડી એક્ટીવાને અડફેટે લેતાં નુકસાન, વારંવાર પશુઓના ત્રાસથી લોકોમાં ભયનો માહોલ

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. તે દરમિયાન આજે ડીસાની સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં પણ રખડતા ત્રણ આખલાઓ યુદ્ધે ચડતા સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો હતો. રખડતા ત્રણ આખલાઓ લડતા લડતા ઘર આગળ પાર્ક કરેલી એકટીવાને પણ અડફેટે લેતા એકટીવા માલિકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેમજ આજુબાજુના લોકોએ પાણીનો મારો ચલાવી આખલાઓને શાંત પાડ્યા હતા.

રખડતા પશુઓની સમસ્યા તાત્કાલિક હલ કરવાની માગ

રખડતા પશુઓના કારણે થતાં અકસ્માતો સહિતની ઘટનાઓની અટકાવવા માટે નાયબ કલેક્ટર દ્વારા જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને અત્યાર સુધી છ જેટલી પોલીસ ફરિયાદો પણ નોંધાઇ છે. તેમ છતાં પણ રખડતા પશુઓની સમસ્યાના નિવારણ માટે નક્કર કોઈ કાર્યવાહી થઈ નથી અને તેના કારણે વારંવાર નાની મોટી ઘટનાઓ બન્યા કરે છે. ત્યારે આજે સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં આખલાઓએ આતંક મચાવતા લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને રખડતા પશુઓની સમસ્યામાંથી શહેરીજનોને કાયમી છુટકારો અપાવવાની માગ કરી હતી.