પાટડીના ખારાઘોડા ગામે અગાઉના જૂના મનદુઃખને લઈને માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં તું ઉપરાણું લઈને કેમ આવ્યો તેમ કહી નજીવી બાબતે ઉશ્કેરાઈ હુમલો કર્યાની ફરીયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ખારાઘોડા ગામના ભરતભાઇ શાંતાભાઈ બામણિયા જેઓ ગણેશ મંડળી ઝીંઝુવાડામા મીઠાની મજૂરીનુ કામ કરતા હોય જેઓ દ્વારા ઝીંઝુવાડા પોલીસ મથકે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ જાણવા મળતી માહિતીમા તેઓનો ભઈજીનો દિકરો રમેશભાઈ કાંતિભાઈ બામણિયા ( રહે-ખારાઘોડાવાળા )નો ફોન આવ્યો હતો કે, હુ વાછડાદાદાના મંદિરે ચાલીને ગયો છું. મને બાઇક લઈને લેવા આવો. જેથી ભરતભાઇ તેઓને પોતાના છાપરેથી બાઇક લઈને વાછડાદાદાના મંદિરે લેવા નિકળ્યા હતા. જે અરસામા મીઠાઘોડા ગામના ભલાભાઈ રૂપાભાઈ ઠાકોર રસ્તા પર આવી બાઇક રોકી અને કહેવા લાગ્યા કે, થોડા દિવસ પહેલા તું પ્રહલાદભાઈ સોમાભાઈ મકવાણાનું ઉપરાણું લઈને કેમ આવ્યો હતો ? જેથી ભરતભાઇ દ્વારા જણાવાયું કે, તમે ખોટી રીતે ટ્રેક્ટર ઉભું રાખી હેરાન કરતા હતા.જેથી ભલાભાઈ દ્વારા ઉશ્કેરાઈ જઇ ગાળો બોલવા લાગ્યાં હતા. જેથી ભરતભાઇ દ્વારા ગાળો દેવાની ના પાડતા ભલાભાઈના હાથમાં રહેલી લોખંડના પાઇપ વડે ડાબા હાથ પર ઘા મારતા નીચે પડી ગયા હતા. બાદમાં પીઠ પર પાઇપ વડે ત્રણ-ચાર ઘા માર્યા બાદ એક ઘા માથામા મારતા ખસી જતા ઘા ડાબા કાનના ભાગે વાગ્યો હતો. જેથી ઈસમ દ્વારા દેકારો કરતા તેઓના સંબંધી ત્યાંથી નિકળતા તેઓને બચાવ્યાં હતા.જે અરસામાં ભલાભાઈ નામનો શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો અને હવે પછી જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. બાદમાં ભરતભાઇના સંબંધી દ્વારા તેઓને છાપરે લાવ્યાં હતા. તેઓના સાઢું ભાઈના દીકરા અશોક કરમશીભાઇ બંને દ્વારા ખાનગી વાહનમાં પાટડી સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વિરમગામ ખાતે રીફર કર્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસી પંજાથી કોણી વચ્ચે ફ્રેકચર થયુ હોવાનું જણાવ્યું હતું. બાદમા સારવાર લઈ અને ભરતભાઇ શાંતાભાઈ બામણિયા દ્વારા ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી ઝીંઝુવાડા પોલીસ મથકના પી.એસ.આઈ એન.એલ.સાંખટે હાથ ધરી હતી.