ડીસા એસબીઆઇના ATMમાં પૈસા ઉપાડવા ગયેલ એક શિક્ષિકાનું એટીએમ કાર્ડ બદલી અજાણ્યા શખ્સો 99,200 રૂપિયા ઉપાડી ગયા હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકાના કંસારી ગામે ફરજ બજાવતી એક શિક્ષિકાને પૈસાની જરૂર હોય તેમને તેમના દિયરને એટીએમ કાર્ડ આપી પૈસા લેવા માટે મોકલ્યા હતા. તેમના દિયર અને રીક્ષા ચાલક મુકેશ શ્રીમાળી ડીસાના ફુવારા પાસે આવેલા એસબીઆઈ ના એટીએમ માં પૈસા ઉપાડવા ગયા હતા અને 3000 રૂપિયા ઉપાડી રહ્યા હતા. તે સમયે પાછળ ઉભેલા શખ્સે તેમને જલ્દી કરવા જણાવ્યું હતું અને પૈસા લીધા બાદ પાછળ ઉભેલા શખ્સે નજર ચૂકવી મુકેશભાઈનું એટીએમ બદલી દીધું હતું.
પૈસા લઈ નીકળ્યા બાદ થોડીવાર પછી મુકેશભાઈ પર તેમની ભાભીનો ફોન આવતા તેમના ખાતામાંથી 3 હજાર સિવાય અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 99,200 રૂપિયા ઉપડી ગયા હોવાનું જણાવ્યું હતું.
જેથી તેઓ તરત જ એસબીઆઇ બેન્કમાં પહોંચ્યા હતા અને તપાસ કરતા એટીએમ માં પૈસા નીકળ્યા બાદ પાછળ ઉભેલા શખ્સે તેમનું એટીએમ કાર્ડ બદલીને પૈસા ઉપાડી ગયો હોવાનું જણાયુ હતું. જે મામલે તેમણે ડીસા દક્ષિણ પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.