પોરબંદર રેડક્રોસ સોસાયટીનું સ્નેહમિલન યોજાયું

◆◆◆◆◆◆◆

ચેરમેન લાખણશી ગોરાણીયાના અધ્યક્ષસ્થાને થયું આયોજન. 

વિશ્વની સૌથી મોટી માનવતાવાદી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર જિલ્લા શાખાનું સ્નેહમિલન યોજાઈ ગયું. તાજેતરમાં જ પોરબંદર રેડક્રોસ સોસાયટીની નવી ટીમની રચના કરવામાં આવ્યા બાદ મેનેજિંગ કમિટીના માર્ગદર્શન હેઠળ તમામ લાઈફ મેમ્બર્સ સાથે મળીને આગામી સમયમાં પોરબંદર વિસ્તારના લોકો માટે રેડક્રોસ વધુ સારી રીતે કાર્ય કરીને છેવાડાના માણસ સુધી મદદરૂપ થઇ શકે તે હેતુ માટે ભવિષ્યના કાર્યક્રમોના આયોજન અને વિવિધ સમિતિઓની રચના કરવા વીલા સર્કિટ હાઉસ ખાતે ચેરમેન લાખણશી ગોરાણીયાના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. 

■ ચેરમેનનું ઉદબોધન

સ્નેહમિલનમાં ઉપસ્થિત તમામ મેમ્બરોને સંબોધન કરતાં લાખણશી ગોરાણીયાએ જણાવ્યું હતું આપ સૌએ મારી ઉપર વિશ્વાસ મૂકી પોરબંદર રેડક્રોસ જેવી એક પ્રતિષ્ઠિત સંસ્થાના ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે ત્યારે સમગ્ર ટીમને સાથે લઈને આયોજન બદ્ધ કાર્યક્રમોના માધ્યમથી આગામી સમયમાં પોરબંદર રેડક્રોસને ગુજરાતની એક નમૂનેદાર જિલ્લા શાખા તરીકે જાણીતી કરવાની ખાત્રી આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે રેડક્રોસ જેવી માનવતાવાદી વૈશ્વિક સંસ્થાના સેવક બનવાનો આપણને મોકો મળ્યો છે. આથી રેડક્રોસની તમામ સેવાઓને પોરબંદર જિલ્લામાં જનજન સુધી પહોંચતી કરવામાં આપણે નિમિત્ત બનીએ તેવી અપીલ ઉપરાંત ભવિષ્યમાં પોરબંદર રેડક્રોસ દ્વારા કરવામાં આવનાર સેવા પ્રવૃત્તિઓના રોડમેપની માહિતી આપી હતી. 

■ ડો. સુરેશ ગાંધીનું સંબોધન

સ્નેહમિલન દરમિયાન ઉપસ્થિત ડો. સુરેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે એક ખંઢેર થયેલ રાજમહેલને પૂનઃ જીર્ણોદ્ધાર થયેલો જોઈને જેટલો આનંદ થાય એવો આનંદ આજે ઘણા સમય પછી રેડક્રોસના આ સુંદર સ્નેહમિલનને જોઈને થયો. ડો. સુરેશ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે યુવાન ચેરમેન લાખણશી ગોરાણીયાની કુશળ કાર્યપધ્ધતિ અને બેસ્ટ મેનેજમેન્ટ તથા સૌને સાથે લઈને કામ કરવાના અભિગમને કારણે પોરબંદર રેડક્રોસ આગામી સમયમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ચોક્કસ નોંધ લેવાશે તેમ જણાવી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. 

◆માર્ગદર્શક સમિતિની રચના કરાઈ

પોરબંદર રેડક્રોસના પાંચ સિનિયર સભ્યોની એક માર્ગદર્શક કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ડો. સુરેશ ગાંધી, ડો. જનક પંડિત, ડો. અનિલ દેવાણી, ડો. સી.જી.જોશી અને ડો. ભરત ગઢવીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સ્નેહમિલનમાં પોરબંદર રેડક્રોસના તમામ હોદ્દેદારો અને લાઈફ મેમ્બર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં રેડક્રોસની વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે ઉમદા સૂચનો રજૂ કર્યા હતા. મેમ્બર્સ દ્વારા રજૂ થયેલ દરેક સૂચનો ઉપર ચેરમેન લાખણશી ગોરાણીયાએ વિગતવાર ચર્ચાઓ કરીને અમલવારીની ખાત્રી આપી હતી. 

સ્નેહમિલનમાં સ્વાગત પ્રવચન ઉપપ્રમુખ અરવિંદ રાજ્યગુરુએ, આભાર વિધિ સેક્રેટરી અકબર સોરઠીયાએ અને કાર્યક્રમનું સંચાલન ચંદ્રેશ કિશોરે કર્યું હતું.