ડીસામાં પારિવારિક ઝઘડાનું મનદુઃખ રાખી કિશોરીને તેના ફોઈના દીકરા ભાઈ અને ભાભીએ હાથ મરડીને હુમલો કર્યો હતો. અને મોં પર એસિડ ફેંફી તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે. જે મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસે હુમલો કરનાર પતિ-પત્નીની શોધખોળ હાથ ધરી છે.
ડીસાના ઉત્સવ બંગ્લોઝ ખાતે રહેતી 17 વર્ષીય કિશોરી એન્જલ્સ હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે અને કિશોરીના પિતાને તેની ફોઈનો સામાજિક વ્યવહાર યોગ્ય ન લાગતો હોઇ સગાઈ પ્રસંગે બોલાવ્યા ન હતા. જેથી બંને પરિવાર વચ્ચે મનદુઃખ હતું.
તે દરમિયાન આ સગીરા એન્જલ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે ગઈ હતી. તે સમયે તેમના ફોઈના દીકરા ભાઈ મુકેશ રાઠોડ અને તેની પત્ની પણ તેમની દીકરીને લેવા માટે આવ્યા હતા અને તે સમયે પારિવારિક ઝઘડાનું મન દુઃખ રાખી આ પતિ-પત્નીએ કિશોરીનો હાથ મરડી હુમલો કર્યો હતો. તેમજ તેના પર એસિડ ફેંકવાની અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટનાથી ડરી ગયેલી સગીરા ત્યાંથી ઘરે પરત જઈ રહી હતી. તો આ બંને પતિ-પત્ની પણ તેની પાછળ પાછળ ઘર સુધી ગાળો બોલતા બોલતા ગયા હતા અને ત્યાંથી નાસી ગયા હતા. જે બનાવ અંગે સગીરાએ તેના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ આ સગીરા તેના પરિવાર સાથે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પહોંચી હતી અને હુમલો કરનાર પિતરાઈ ભાઈ-ભાભી સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.