સુવિધા નહીં મળતા છાત્રોનો વિરોધ પ્રદર્શન: નર્સિંગ કોલેજમાં પાણી સહિતની સુવિધાઓને લઈ હંગામો; 24 કલાકમાં સુવિધા ઉપલબ્ધ નહીં થાય તો કોલેજને તાળાબંધીની ચીમકી
ડીસાની રસાણા પાસે આવેલી ભારત નર્સિંગ કોલેજમાં 300થી પણ વધુ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીના અભાવે છાત્રો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સિવાય સંચાલક મંડળ દ્વારા છાત્રો પાસેથી ટ્રાન્સપોર્ટેશનની ફી એડવાન્સમાં લેવામાં આવી છે. તેમ છતાં પણ વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી.
જે મામલે વિદ્યાર્થીઓએ વારંવાર સંચાલક મંડળને રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આ મામલે કોઈ જ કાર્યવાહી, કે વિદ્યાર્થીઓની વાતને ધ્યાનમાં ન લેતા આજે એનએસયુઆઈના કાર્યકરો સહિત વિદ્યાર્થીઓએ ભારે હંગામો મચાવ્યો હતો. કોલેજના સંચાલક મંડળને લેખિત આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી અને જો વિદ્યાર્થીઓની માગ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે અને સુવિધાઓની પૂર્તિ કરવામાં નહીં આવે તો કોલેજને તાળુ મારી ધરણા પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી હતી.