ડીસા-ધાનેરા રોડ પર મોડી રાત્રે બોલેરો જીપડાલામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ડીસા પંથકમાં ગરમી વધવાની સાથે સાથે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેમાં ગત મોડી રાત્રે ડીસા ધાનેરા રોડ પર એક જીપડાલું પસાર થઈ રહ્યું હતું. તે સમયે અચાનક ગાડીમાં આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં ગાડી સળગવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી.

આ ઘટનાને પગલે આજુબાજુના વાહન ચાલકોએ પાલિકાને જાણ કરતા ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગાડીના ચાલકે સમય સૂચકતા વાપરી ગાડીમાંથી નીચે ઉતરી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ આગની જ્વાળાઓમાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.