ખંભાતમાં આવેલ દિયા મોબાઈલ દુકાનના માલિક દ્વારા ગામના યુવકના ઓળખ પુરાવા મેળવી તેના પર 21 જેટલા સીમકાર્ડ એક્ટિવ કર્યા હતા.આ એક્ટિવ સીમકાર્ડ તેણે બારોબાર વેચી દીધા હતા.આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

મળતી માહિતી અનુસાર ખંભાતના કંસારી ગામના ઉદ્યોગ નગર ચોકડી પર દિયા મોબાઈલ નામની દુકાન આવેલી છે.આ દુકાનના માલિક ચંદ્રસિંહ ઉર્ફે દિપક હિંમતસિંહ પરમાર (રહે કંસારી) ઉપરાંત વૈભવ દીપકભાઈ પટેલ (રહે શકરપર) ધ્રુવ પરેશભાઈ પટેલ (રહે પટેલ સોસાયટી ખંભાત) એ ભેગા મળીને મોબાઈલ કંપનીના સીમકાર્ડ વેચાણ કરવા માટે 2021ના વર્ષમાં અલગ અલગ સમય તથા તારીખે હર્ષિલ પટેલ નામના યુવકની જાણ બહાર તેમના ઓળખપુરાવાની નકલ મેળવી તેના નામના મોબાઇલ સીમકાર્ડ એક્ટિવ કર્યા હતા.

દસ્તાવેજોની આ શખ્સોએ કસ્ટમર કેર એપ્લિકેશન ફોર્મમાં કસ્ટમર તથા સીમકાર્ડ એક્ટિવ કરનારના લાઇવ ફોટા અપલોડ કરવાના હોય જેમાં કસ્ટમર એપ્લિકેશન ફોર્મ માં હર્ષિલ પટેલ ના ફોટા નો ઉપયોગ કર્યો હતો જેમાં હર્ષિલ પટેલના કસ્ટમર એપ્લિકેશન ફોર્મ માં ખોટા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો ઉભા કર્યા હતા. બાદમાં પીએસઓ એજન્ટ તરીકે ત્રણેય ફોટા અપલોડ  કરી હર્ષિલ પટેલ ના નામે તેની જાણ બહાર મોબાઈલના 21 સીમ કાર્ડ એક્ટિવ કર્યા હતા. આ એક્ટિવ કરેલા મોબાઈલ સીમકાર્ડ તેની જાણ બહાર વેચાણ કરી દીધા હતા આ બાબત સાયબર ક્રાઇમ વિભાગના ધ્યાને આવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ ઘનશ્યામભાઈની ફરિયાદ આધારે સાયબર પોલીસે ચંદ્રસિંહ ઉર્ફે દિપક હિંમત પરમાર, વૈભવ પટેલ, ધ્રુવ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(સલમાન પઠાણ ખંભાત)