કોંગ્રેસ સંસદીય સમિતિના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે પીએમ મોદી અને તેમની સરકાર અંગે પોતાનો અભિપ્રાય જણાવ્યો છે. તેમણે કહ્યું કે દેશને ચૂપ કરાવીને દેશની સમસ્યાઓને ઉકેલી નહીં શકાય. પીએમ મોદી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન ધારણ કરે છે, તેમની સરકારના કામથી કરોડો લોકોના જીવનને અસર થાય છે, આ બાબતે અમારા જે પણ વાજબી સવાલો છે, તે અંગે પણ તેઓ મૌન છે.

ધ હિંદુમાં લખાયેલા એક આર્ટિકલમાં તેમણે કહ્યું કે ભારતના લોકોને હવે સમજાઈ ગયું છે કે વર્તમાન પરિસ્થિતિમાં પીએમ મોદીના કથન અને કાર્યોમાં મોટો તફાવત છે. જ્યારે તેઓ વિપક્ષો સામે ગુસ્સો નથી ઠાલવતા અથવા આજની મુશ્કેલીઓ માટે જૂના નેતાઓ સામે આરોપો લગાવતા નથી, ત્યારે તેમનાં તમામ નિવેદનોમાંથી મહત્ત્વના મુદ્દાઓ ગુમ થઈ જાય છે, અથવા તો તેઓ મોટી મોટી લોભામણી વાતો કરીને આ મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવાના પ્રયાસ કરે છે. જો કે, તેમની કાર્યવાહી સ્પષ્ટ દર્શાવે છે કે આ સરકારનો અસલી ઈરાદો શું છે.

પીએમ અમારા વાજબી સવાલો પર મૌન છે
દેશને મૌન રાખીને દેશની સમસ્યાઓનો ઉકેલ નહીં થાય. પીએમ મોદી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન છે, તેમની સરકારના કામથી કરોડો લોકોના જીવનને અસર થાય છે, તેઓ તેમના સંબંધિત અમારા વાજબી સવાલો પર મૌન છે.

નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં બેરોજગારી અને મોંઘવારીનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો ન હતો, જાણે આ સમસ્યા જ નથી. જે લોકો રોજેરોજ દૂધ, શાકભાજી, તેલ અને ગેસ પણ ખરીદી શકતા નથી તેવા લોકો માટે સરકારનું આ મૌન શું કામનું છે. અથવા અત્યાર સુધીના સૌથી વધુ બેરોજગારીનો સામનો કરી રહેલા યુવાનોને આ મૌનનું શું કામ છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના તેમના વચનને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા પછી પીએમ આરામથી ચૂપ છે. પરંતુ વધતા ખર્ચ અને પાકના ઘટતા ભાવની ખેડૂતોની સમસ્યા આજે પણ યથાવત્ જ છે.

દેશમાં નફરત અને હિંસાનું વાતાવરણ, આને BJP-RSS દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું
દેશમાં ભાજપ અને આરએસએસના લોકો દ્વારા જે નફરત અને હિંસાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તે હવે વધી રહ્યું છે અને પીએમ તેની અવગણના કરી રહ્યા છે. એક વખત પણ તેમણે શાંતિ કે સંવાદિતા જાળવવા વિશે વાત કરી નથી અથવા ગુનેગારોને લગામમાં રાખવા માટે કોઈ પગલાં લીધાં નથી, એવામાં તેમને સજા કરવી તે તો ઘણી દૂરની વાત છે.

ધાર્મિક તહેવારો હવે આનંદ અને ઉજવણીના તહેવાર રહ્યા નથી, પરંતુ અન્યોને ડરાવવા અને હેરાન કરવાનો અવસર બની ગયા છે. હવે લોકોને તેમના ધર્મ, ખાનપાન, જાતિ, લિંગ અને ભાષાના આધારે વિભાજિત કરવામાં આવે છે.

ચીન સાથેના સરહદી મુદ્દા પર, આપણે જોયું છે કે પીએમ મોદી કેવી રીતે ચીનની ઘૂસણખોરીને નકારી રહ્યા છે, સરકાર સંસદમાં ચર્ચા અટકાવી રહી છે અને વિદેશ મંત્રીએ હાર સ્વીકારી લેવાનું વલણ અપનાવ્યું છે.