આણંદ જિલ્લામાં વરસાદથી ખેતી પાકોને થયેલ નુકસાન અંગે નુકસાની સહાય આપવાની ખેડૂતો અને પ્રજાના પ્રતિનિધિ દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ હોવા છતાં નુકસાનની સહાયથી આણંદ જિલ્લાના ખેડૂતોને વંચિત રહેવું પડશે. કમોસમી વરસાદથી ખેતી પાકોને 33% નુકસાન નહીં થયાનું આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગે પ્રાથમિક તારણ કાઢ્યો હોવાથી આણંદ જિલ્લામાં નુકસાન સર્વેની કામગીરી પણ થઈ શકશે નહીં.

ચાલુ વર્ષે સતત વાદળછાયુ વાતાવરણ અને 15 દિવસના અંતરે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. ખાસ કરીને કેરી જીરું ચણા ધાણા ઘઉં ઇસબગુલ તમાકુ વગેરે ખેતી પાકોને નુકસાન થવા પામ્યું હતું કમોસમી વરસાદથી ખંભાત અને તારાપુર તાલુકામાં ઘઉંના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું જેના પગલે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવ પટેલને પંથકમાં કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલ નુકસાનની સર્વે કરાવી સહાય આપવાની માગણી કરી હતી તે સંદર્ભે વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ સ્વીકાર્યું હતું કે માર્ચ માસમાં 18 દિવસમાં રાજ્યના 24 જિલ્લાના 70 તાલુકામાં દસ મિનિટથી વધુ કમોસમી વરસાદ નોંધાયો છે જેના કારણે પાકોને નુકસાન થયું છે જો કે જ્યાં 33% કે તેનાથી વધારે નુકસાન જોવા મળશે તેવા વિસ્તારમાં નુકસાની વળતરની સહાય આપવામાં આવશે.જેમાં બિન પિયત વાવેતરમાં ૬૮૦૦/, પિયત વાવેતરમાં 13,500 પ્રતિ હેક્ટરે બારેમાસ પાક માટે પ્રતિ હેક્ટર 18,000 હજાર વાવેતર વિસ્તારની મર્યાદામાં ચૂકવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી આણંદ જિલ્લાના ખેડૂતોને પણ ખેતી પાકમાં થયેલ નુકસાન વળતર મળવાની આશા બંધાઇ હતી. પરંતુ ત્યારબાદ આણંદ જિલ્લામાં સર્વેની કામગીરી હાથ નહીં ધરાતા કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલ નુકસાનનું વર્તન મળશે કે નહીં તે જાણવાની સૌ ખેડૂતોની ઉત્કંઠા જાગી હતી પરંતુ આ ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો છે. આણંદ જિલ્લાના ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર, જિલ્લામાં નુકસાનકારક વરસાદ થયો ન હોય તેવા વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ન ધરી શકાય તેમ જણાવતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે.

આ અંગે ખેતીવાડી વિભાગના અધિકારી ચિંતન પટેલે જણાવ્યું હતું, સમગ્ર આણંદ પંથકમાં છૂટો છવાયો અને એક - બે મીમી જેટલો વરસાદ નોંધાયો હોવાથી પ્રાથમિક તારણમાં સદર વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ન ધરી શકાય. ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં 10 થી વધારે વાવાઝોડા અને પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને કારણે તે જિલ્લાઓના વિસ્તારમાં 33% વધારે નુકસાન હોઈ શકે છે.જોકે આણંદ જિલ્લામાં ૩૩ ટકાથી વધારે નુકસાન થવાની સંભાવના ઘણી ઓછી છે.

(સલમાન પઠાણ-ખંભાત)