જસદણના સાણથલીમાં શેઢા તકરારમાં બે ભાઇને આંતરી આંખમાં મરચાની ભૂકી છાંટી હુમલો

ધોકા-લાકડીથી પાંચ છ શખ્સોએ બેફામ ફટકાર્યાઃ ગામના સરપંચ પણ હુમલામાં સામેલ હોવાનો આક્ષેપઃ પરષોત્તમભાઇ અને પ્રવિણભાઇ રાજકોટ સારવારમાં

જસદણના સાણથલી ગામે રહેતાં બે ભાઇઓ પ્રવિણભાઇ પોલાભાઇ કશી (ઉ.વ.૪૫) અને પરષોત્તમભાઇ પોલાભાઇ કશી (ઉ.વ.૫૫) સાંજે બાઇક પર બેસી વાડીએથી ઘરે જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં છ સાત શખ્સોએ આંતરી આંખમાં મરચાની ભુકી છાંટી ધોકા-લાકડીના ઘા ફટકારી બેફામ માર મારતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના પરષોત્તમભાઇએ જસદણ પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલના બિછાનેથી પ્રવિણભાઇ કશીએ જણાવ્યું હતું કે હુ અને મારા ભાઇ પરષોત્તમભાઇ બંને કુંવારા છીએ અને અમારે આગળ પાછળ કોઇ નથી. ગામમાં અમારી મોટી વાડી છે. વાડીના શેઢા બાબતે અમારે બાજુની વાડીવાળા સાથે માથાકુટ ચાલતી હોવાથી તેનો ખાર રાખી અમને બંને ભાઇઓને આંતરી આંખમાં મરચાની ભુકી છાંટી હુમલો કરાયો હતો.હુમલામાં ગામના સરપંચ સહિતના શખ્સો પણ સામેલ હોવાનો આક્ષેપ પ્રવિણભાઇએ કરતાં વિશેષ તપાસ જસદણ પોલીસે હાથ ધરી છે.