પાલનપુરમાં ૧૪૭૦ રીઢા બાકીદારોને નોટીસો ફટકારાઈ....

ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા બાકી વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવાઈ છે. પાલિકાએ રીઢા બાકીદારો સામે લાલ આંખ કરતા કડક વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરતા નગર પાલિકાની તિજોરીમાં છેલ્લા એક માસમાં રૂ.૨ કરોડ અને છેલ્લા એક વર્ષમાં રૂ.૧૫.૨૫ કરોડની આવક થઈ છે. જોકે, પાલિકા દ્વારા ૧૪૭૦ બાકીદારોને નોટિસ ફટકારતા અને ૪૬ થી વધુ કોમર્શિયલ મિલ્કતો સિલ કરી ૨૦ થી વધુ રહેણાંકના પાણી કનેક્શન કાપી દેવાતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાલનપુર પાલિકાના ચીફ ઓફિસર નવનીતકુમાર પટેલ ની સીધી સુચના હેઠળ ઘરવેરા શાખા દ્વારા પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં રહેણાંક તેમજ બિન રહેણાંક વિસ્તાર માં ઘણાં સમયથી ઘરવેરો ન ભરતાં ઈસમો સામે નગરપાલિકાએ લાલ આંખ કરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ઘરવેરાની આ કામગીરીમાં ટેક્ષ ઇન્સ્પેકટર સેવતીભાઈ ઠક્કર, ઘરવેરા સુપરવાઈઝર નરેશભાઈ જોષી, ગજેન્દ્ર ભાઈ ત્રિવેદી, દશરથજી ઠાકોર, વિનોદભાઈ પરમાર, પ્રવીણભાઈ ડાભી તેમજ સ્ટાફ દ્વારા સઘન વેરા વસુલાત ઝુંબેશ કરવામાં આવેલ હતી. જોકે, આગામી સમયમાં જે લોકોના ઘરવેરા બાકી હશે તેવા ઈસમોની કોમર્શિયલ મિલકતો સીલ કરવામાં આવશે તેમજ રહેણાંક મિલકતોના પાણી કનેક્શન કાપી દેવામાં આવશે તેવી પાલિકાએ ચીમકી આપતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.