ડીસા સહીત સમગ્ર બનાસકાંઠામાં ગુરૂવારે પડેલા કમોસમી વરસાદ અને કરાના લીધે બાગાયતી પાકોને ભારે નુકશાન થવા પામ્યું છે.
જેમાં ડીસા તાલુકાના વાસડા, રાણપુર ,સમશેરપુરા , જોરાપુરા સહિતના ગામોમાં શક્કરટેટી,તરબૂચ,મરચા,રાજગરોના પાકને અદાજીત ચારથી પાંચ કરોડનું નુકશાન થતા ધરતુપુત્રોની હાલત કફોડી બની છે. છેલ્લા ઘણા વર્ષોથી ડીસા પંથકમાં બાગાયતી ખેતી તરફ ખેડૂતો વળ્યા છે.
આ વર્ષે પણ ખેડૂતોએ મોટા પ્રમાણમાં શક્કરટેટી,તરબૂચ ,મરચા ,સહિત રાજગરાનું મોટાપાયે વાવેતર કર્યું હતું પરંતુ ગઇકાલે ગુરુવારે પડેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે જેમાં રાણપુર,વાસડા ,સમશેરપુરા,જોરાપુરા સહિત આજુબાજુના ગામોમાં અદાજીત 500 થી વધુ એકરમાં વરસાદના લીધે 80 ટકા પાકોને નુકશાન પહોંચ્યું છે.
શક્કરટેટી ,તરબૂચના પાકના વાવેતરમાં હેકટર દીઠ લાખ રૂપિયા ઉપરાંતનો ખર્ચ થાય છે. જ્યારે રાજગરો જેવા પાકમાં હેકટર દીઠ ખેડૂતને રૂ.25,000 ઉપરાંતનો ખર્ચ થતો હોય છે.જોકે, આ વખતે રાજગરોના પાક તૈયાર થઇ ગયો હતો અને ખેડૂત તેને વાઢીને લેવાની તૈયારીમાં હતા.
તે દરમિયાન કમોસમી વરસાદ પડતા તૈયાર પાકનો નાશ વળી ગયો આમ કમોસમી વરસાદના લીધે ખેડૂતની કમર ભાગી ચૂકી છે. ત્યારે હવે સરકાર વહેલી તકે સર્વે કરાવી ત્વરીત સહાય ચૂકવે તેવી માંગ ઉઠી છે.