પત્રકાર સાથે ગેરવર્તુણ અને ફોન છીનવવા મામલે સલમાન ખાનને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુરુવારના રોજ બોમ્બે હાઈકોર્ટે નિર્ણય સંભળાવતા કેસ ફગાવી દીધો હતો. પત્રકારે વર્ષે 2019માં સલમાન વિરુદ્ધ દાખલ કરી હતી.આ પહેલા મેટ્રોપોલિટન કોર્ટે ગેરવર્તણૂકના કેસમાં સલમાન ખાનને સમન્સ જાહેર કર્યું હતું.
તેની સામે અભિનેતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
જસ્ટિસ ભારતી ડાંગરેએ કહ્યું હતું કે, "કાર્યવાહી શરૂ કરતા પહેલા કઈ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું? તમે દાવો કર્યો છે કે બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? પણ શેના માટે?
સલમાન પર શું હતા આરોપ?
તમને જણાવી દઈએ કે, મેજિસ્ટ્રેટ સમક્ષ આપવામાં આવેલી પોતાની અંગત ફરિયાદમાં પત્રકાર અશોક પાંડેએ આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાને મુંબઈના રસ્તા પર સાઈકલ ચલાવતી વખતે તેમનો ફોન છીનવી લીધો હતો. તે દરમિયાન મીડિયાના કેટલાક લોકો તેના ફોટ લઈ રહ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે, સલમાને તેની સાથે દલીલ કરી હતી અને તેને ધમકી આપી હતી.
ગયા વર્ષે મેજિસ્ટ્રેટે આ મામલે CRPCની કલમ 202 હેઠળ પોલીસ તપાસનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કાર્યવાહીને આગળ વધારતા સલમાનને સીઆરપીસીની કલમ 204 હેઠળ સમન્સ પણ મોકલવામાં આવ્યું હતુ. આ કેસમાં સલમાનના બોડીગાર્ડ નવાઝ શેખને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો.
કોર્ટે શું કહ્યું?
ગત સુનાવણીમાં હાઈકોર્ટે સમન્સ પર સ્ટે મુક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ફરિયાદીના નિવેદનમાં સુધારો કરવાની જરૂર છે. જસ્ટિસ રેવતી મોહિતે ડેરેએ કહ્યું હતું કે પત્રકાર હોવાના કારણે ફરિયાદીએ ચૂપ ન રહેવું જોઈએ અને તેના તમામ આરોપો પહેલી ફરિયાદમાં જ હોવા જોઈએ. આ કેસમાં સલમાનના વકીલે દલીલ કરી હતી કે અભિનેતાએ માત્ર તેના બોડીગાર્ડને પત્રકારને ફોટોગ્રાફ્સ લેતા રોકવા માટે કહ્યું હતું.
જ્યારે પત્રકારના વકીલે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી તો જસ્ટિસ ડાંગરેએ કહ્યું કે ન તો તમે અને ન તો તે કાયદાથી ઉપર છે. તેમણે કહ્યું કે પ્રેસના લોકો પણ કાયદાથી ઉપર નથી.