આગામી 30મી માર્ચના રોજ રામનવમીનો તહેવાર છે. જેને પગલે તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેમજ કોમી એકતા જળવાઈ રહે તે હેતુસર ખંભાત ડિવિઝનના એ.એસ.પીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક મિટિંગ મળી હતી.જેમાં પોલીસ દ્વારા અગ્રણીઓને સમાજ દ્વારા શાંતિ રાખવા અપીલ કરાઈ હતી. નોંધનીય છે કે ચાલુ વર્ષે કોઈ અટકચાળું ન થાય, કોમી વૈમનસ્ય ન ફેલાય તે માટે પોલીસ સતર્ક બની છે.
આ અંગે વાત કરતા એએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, ખંભાત વાસીઓને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.આ યાત્રા દરમિયાન પોલીસ બોડી વોર્ન કેમેરાથી સજજ રહેશે.આયોજકો દ્વારા જે રૂટ નક્કી કરવામાં આવ્યા છે. તેનું સતત પેટ્રોલિંગ કરવામાં આવશે અને બાતમીદારોને સક્રિય કરી સઘન વોચ રાખવામાં આવશે.આ સિવાય રૂટ પર આવનારા સીસીટીવી કેમેરાનું મેપિંગ કરાશે અને કંટ્રોલરૂમમાં પોલીસ દ્વારા સતત તેના પર એટેન્શન રાખવામાં આવશે.બીજી તરફ એસઆરપી અને આણંદ એસ.ઓ.જી, એલસીબી, ખંભાત-શહેર ગ્રામ્ય પોલીસની ટીમો પણ રખાશે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.આ ઉપરાંત આગામી અઠવાડિયા દરમિયાન સોશિયલ મીડિયા ઉપર ફરતા ધમાલ અંગેના ખોટા મેસેજ તથા અન્ય કોઈ અફવા ઉપર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે.
(સલમાન પઠાણ ખંભાત)