ડીસામાં રાઈટ ટુ હેલ્થ બિલ સામે વિરોધ: રાજસ્થાન સરકારે લાવેલા કાયદાના વિરોધમાં સમગ્ર દેશના તબીબો જોડાયા; બિલ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
રાજસ્થાન સરકાર દ્વારા રાઇટ ટુ હેલ્થ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલ અંતર્ગત રાજસ્થાની કોઈપણ પ્રાઇવેટ હોસ્પિટલે દર્દીને ઇમર્જન્સી સારવાર મફત આપવાની રહે છે. જોકે ઇમર્જન્સી કેસ કોને ગણવો તે અંગે આ બિલમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી અને જો તે હોસ્પિટલમાં આ પ્રકારની વ્યવસ્થા ન હોય તો દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનો થાય છે. જેનો તમામ ખર્ચ જે તે ડોક્ટરે ભોગવવાનો સરકારે કાયદામાં ઉલ્લેખ કર્યો છે.
આ ઉપરાંત આ કાયદાના અમલ માટે સરકારે જે તે વિસ્તારોમાં પાંચ સભ્યોની કમિટી બનાવી છે. જે કમિટીમાં પણ તબીબો સિવાયના અનક્વોલિફાઇડ માણસોની નિમણૂક કરી છે. જેઓને ઇમર્જન્સી કેસ એટલે શું? તેવી પણ ખબર નથી. તેઓ ઇમરજન્સી નક્કી કરી જે તે તબીબે સારવાર ન આપી હોય, તો તે હોસ્પિટલ સીલ કરવા સુધીની સત્તા આ કમિટીને આપી છે.
જેથી આવા માહોલમાં કોઈપણ પ્રાઇવેટ ડોક્ટર યોગ્ય રીતે કામ કરી શકે નહીં તેવી સ્થિતિ ઊભી થવાની સંભાવના છે. જેથી આ બિલનો રાજસ્થાનના તબીબોએ વિરોધ કરતા સમગ્ર દેશના તબીબોએ આ કાળા કાયદાનો વિરોધ કરવા સમર્થન આપ્યું છે. જે અંતર્ગત આજે ડીસા આઈ એમ એના તબીબો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તબીબો એ જણાવ્યું હતું કે, રાજસ્થાન સરકાર આ કાયદો તરત પાછો ખેંચી લે અન્યથા દેશભરના તબીબોને હડતાલ કરવાની ફરજ પડશે. જેથી લોકોને જ તકલીફ પડશે તેથી આ બિલ વહેલામાં વહેલી તકે સરકાર પાછું ખેંચી લે તેવી માગ કરી હતી.