ડીસામાં હરિઓમ સ્કૂલની પાછળ આવેલા હઠીલા હનુમાન સહિતના મંદિરો અને ગૌશાળાની જગ્યા દબાણમાં હોવાથી ખાલી કરવાની નોટિસ આપતા ગૌ સેવકોએ વિરોધ દર્શાવ્યો હતો. ડીસા નગરપાલિકામાં આવેદનપત્ર આપી આ જગ્યાનો કબજો સંભાળી બીમાર અને રખડતી ગૌમાતાઓની સેવા કરવાની જવાબદારી સંભાળી લેવા તેમજ આ જગ્યાની પાછળ દબાણ વાળી જગ્યામાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા જણાવ્યું છે.

ડીસામાં હરિઓમ સ્કૂલ પાછળ આવેલા હઠીલા હનુમાન મંદિર વાળી જગ્યામાં તત્કાલીન મહંત સ્વ. નરસિંહદાસજી મહારાજે અન્નક્ષેત્ર તેમજ ગૌશાળા શરૂ કરી ડીસા શહેરમાં રખડતી અને બીમાર ગૌમાતાઓની સેવા શરૂ કરી હતી. જોકે નરસિંહદાસજી મહારાજ બ્રહ્મલીન થતા તેમજ લંપી વાયરસ બાદ આ જગ્યા પર ટ્રસ્ટીઓ દ્વારા કોઈ પ્રવૃત્તિ ન થતા ડીસાના સેવાભાવિ ગૌસેવક મગશી રબારીએ અન્ય સેવાભાવીઓની મદદથી આ જગ્યા પર બીમાર ગૌમાતાઓની સેવા તેમજ રખડતા ઢોરોને ઘાસચારાની વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી.

જોકે, ડીસા નગરપાલિકા દ્વારા આ જગ્યા બિન નંબરી હોવાથી તેમજ આ જગ્યામાં દબાણ કરી પાકા શેડ તેમજ મંદિરો બાંધવામાં આવ્યા હોઇ, આ દબાણો દૂર કરવા મગસી રબારીને નોટીસ આપવામાં આવી હતી. આ જગ્યાની બિલકુલ પાછળ 50 વીઘા જેટલી જગ્યા પણ દબાણમાં છે અને એ જગ્યામાં ગેરકાયદેસર રીતે કતલખાના ચાલી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા ગૌ સેવા માટેની જગ્યાને નોટીસ આપતા ગૌ સેવકોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો.

જેથી આજે આ જગ્યા પર સેવા કરતાં મગસી રબારી, ગૌ સેવકો ધર્મેન્દ્ર ફોફાણી, રમેશ ઠક્કર, દીપક દેસાઈ, જયેશ દેસાઈ, યોગેશ ગોસ્વામી સહિત ગૌ પ્રેમીઓએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી આ જગ્યાનો કબજો નગરપાલિકા સંભાળી લે અને બીમાર ગૌમાતાઓ તેમજ રખડતા ઢોરોને ઘાસ નાખવાની જવાબદારી ઉપાડી લે તેવી માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

ડીસા નગરપાલિકાએ ગૌશાળાની જગ્યા ખાલી કરવાની નોટિસ આપતા આ જગ્યા પર હાલમાં આશ્રય લઈ રહેલા 100 ઉપરાંત ઢોરોની જવાબદારી હવેથી નગરપાલિકા સંભાળી લે તેમજ નગરપાલિકા આ વ્યવસ્થા કરે ત્યાં સુધી બે ત્રણ દિવસ સુધી ઘાસચારાની વ્યવસ્થા પણ ગૌ સેવકો પોતે સંભાળશે, તેમ પણ ચીફ ઓફિસરને જણાવ્યું હતું.

આ અંગે ડીસા નગરપાલિકામાં નવા આવેલા ચીફ ઓફિસર પંકજ બારોટે જણાવ્યું હતું કે, મેં આજે જ ચાર્જ લીધો છે અને આ અંગે નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લઈશું તેમજ સેવાકીય કાર્યોમાં નગરપાલિકા સહભાગી પણ બનશે.

આ બાબતે મગસી રબારીએ જણાવ્યું હતું કે, આ જગ્યા સ્વ. નરસિંહદાસજી મહારાજે વિકસાવેલી છે. તેમજ તેમના સમયમાં મંદિરો, અન્નક્ષેત્ર, ધર્મશાળા તેમજ ગૌશાળાના શેડ બનાવ્યા હતા. મેં કોઈ દબાણ કરેલું નથી. હું ફક્ત આ જગ્યા પર બીમાર ગૌમાતાઓની સેવા અને રખડતા ઢોરોના ઘાસચારાની વ્યવસ્થા કરું છું.

જીવદયાપ્રેમી ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું હતું કે, પાલિકાએ નોટિસ આપેલી દબાણ વાળી જગ્યાની પાછળ પણ 50 વીઘાથી વધુ જગ્યા પણ ગેરકાયદેસર રીતે અસામાજિક તત્વોના કબજામાં છે અને ત્યાં ગેરકાયદેસર રીતે ખુલ્લેઆમ કતલખાના ચાલી રહ્યા છે. પરંતુ નગરપાલિકાને તે દેખાતું નથી. હવે આ જગ્યાનો કબજો પાલિકા સંભાળી લે અને રખડતા ઢોરો સહિત મંદિરોની પવિત્રતા જળવાય તે રીતે જવાબદારી પણ નિભાવે તેવી અમારી માગ છે.

હરિઓમ સ્કૂલ પાછળ હઠીલા હનુમાન મંદિર વાળી જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય આ જગ્યા શ્રી હરિનામ ટ્રસ્ટને સોંપવા ડીસા નગરપાલિકામાં તારીખ 16/07/2016ના રોજ ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે નગરપાલિકાએ જ આ જગ્યા ખાલી કરવા નોટિસ આપતા વિવાદ થયો છે.