૧૮ વર્ષ સુધીની ઉંમરનાં બાળકોને ત્વરિત તબીબી સારવાર મળે તે માટે કેન્દ્ર સરકારની યોજના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK-Rashtriya Baal Swasthya Karyakram)ની 28 મોબાઇલ હૅલ્થ વૅન સુરેન્દ્રનગર જિલ્લાને ફાળવાઈ છે પરંતુ આ વાહનો બાળકોના સ્વાસ્થ્ય માટે દોડવાને બદલે મુસાફરોને લઈને શટલના ફેરા મારતી વધુ જોવા મળે છે. RBSKના લોગો લગાડેલી વૅનમાં સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા અને ગ્રામ્ય પંથકમાં મુસાફરોને લાવવા-લઈ જવાના ફેરા કરતી હોવાનો વીડિયો ફરતો હોવા છતાં જિલ્લાનું આરોગ્ય તંત્ર એજન્સીનાં વાહનો હોવાનું કહી હાથ અધ્ધર કરી રહ્યું છે, તપાસ કરીશું-નું ગાણું ગાઈ રહ્યું છે. બાળકોના સ્વાસ્થ્યની સુવિધા માટે તથા ગંભીર બીમારીમાં ત્વરિત રીતે સારવાર મળે તે માટે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે આ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં જરૂરિયાત પ્રમાણે મોબાઇલ હૅલ્થ વૅન ફાળવાઈ છે. એ અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં 28 વાહન ફાળવાયાં છે. મોબાઇલ વૅન ફેરવવાનો કોન્ટ્રાક્ટ એજન્સીને ફાળવાયો છે. જિલ્લાનાં 0થી 18 વર્ષની ઉંમરનાં 4,19,603 બાળકો માટે આ વૅન આશીર્વાદરૂપ બની છે અને દર મહિને 150થી વધુ બાળકોની સારવાર પણ આ વૅન થકી થઈ રહી છે. બીજી તરફ આ વૅન પર લાગેલા RBSKના લોગોનો એજન્સીના વૅનચાલકો સહિતનો સ્ટાફ દુરુપયોગ કરતા હોવાની વિગતો જાણવા મળી છે.બાળકોને સારવાર આપવા કે હૉસ્પિટલ લઈ જવા માટે ફાળવાયેલી વૅનનો ઉપયોગ મુસાફરોની હેરફેર માટે કરાતો હોવાની ચોંકાવનારી વિગતો મળી છે. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. બાળકોની સારવાર કરવાને બદલ સુરેન્દ્રનગર. લીંબડી, ધ્રાંગધ્રા તથા જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં મુસાફરોની હેરફેર કરીને રૂપિયા કમાતા હોવાના વીડિયો ફરતો હોવા છતાં સ્થાનિક આરોગ્ય તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે. આરોગ્ય અધિકારીએ તો ‘આ વાહનો એજન્સીનાં છે’ તેમ કહીને હાથ જ અધ્ધર કરી લીધાં છે. મળતી માહિતી મુજબ ખાનગી એજન્સીને વાર્ષિક કોન્ટ્રાકટ આપી દેવાય છે અને 1 વૅનનું કિલોમીટર દીઠ માસિક ભાડું રૂ. 22500 જેટલું ચુકવાતું હોય છે.એક વૅનમાં મહિલા અને પુરુષ તબીબ, 1 ડ્રાઇવર, નર્સ તેમજ ફાર્માસિસ્ટ રાખવાના હોય છે પરંતુ જગ્યા ભરાતી ન હોવાને કારણે 2 તબીબ, નર્સ અને 1 ડ્રાઇવર હોય છે. ત્યાર બાદ કોઈ બાળક હોય તો તેની પરિસ્થિતિ પ્રમાણે પરિવારજનોને લેવામાં આવતાં હોય છે, જેમાં વધુમાં વધુ બાળક સાથે 2 લોકો રહી શકે છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી. જી. ગોહિલે જણાવ્યું કે એજન્સીઓનાં વાહનો હોય છે અને તેઓને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હોય છે. જિલ્લામાં આવાં વાહનો 28 છે. તેમ છતાં મોબાઇલ હેલ્થ વાહનોમાં મુસાફરોની હેરાફેરી કે RBSKના લોગોનો ખોટી રીતે દૂરુપયોગ થતો હશે તો તપાસ કરવામાં આવશે. આવું ધ્યાનમાં આવશે તો તેની સામે કાર્યવાહી કરાશે.