રોડ પર ઘાસચારાનો ઢગલો: ડીસા આખોલ બ્રિજ પર ઘાસચારો ભરેલી ટ્રક પલ્ટી મારતાં અકસ્માત, ચાલકને ઝોકું આવતાં ટ્રક પલ્ટી મારીને ડિવાઈડર સાથે ટકરાઈ

વિસાવદરથી સુકુ ઘાસ ભરીને એક ટ્રક ચંડીસર તરફ જઈ રહી હતી અને ડીસા નજીક આખોલ બ્રિજ પરથી પસાર થઈ હતી. તે સમયે અચાનક ટ્રક ચાલકને ઊંઘમાં ઝોકું આવી જતા ટ્રક પલટી ખાઈને ઓવરબ્રિજના ડિવાઇડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી પરંતુ અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પલટી ખાતા ટ્રકમાં ભરેલો સૂકો ઘાસચારો રોડ પર ફેલાઈ ગયો હતો.

જેના કારણે વાહન વ્યવહાર અટવાઈ પડ્યો હતો. ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ તરત અકસ્માત સ્થળે પહોંચી હતી અને એક તરફનો ઓવરબ્રિજ બંધ કરાવી ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરાયો હતો.