રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ મારફતે વિતરણ કરવામાં આવતું અનાજ આર્થિક સદ્ધરતા ધરાવતા અનેક કાર્ડ ધારકો પણ લે છે. ત્યારે આવા કાર્ડ ધારકોને સ્વેચ્છાએ પોતાનું નામ પાછું લઈ લેવા ડીસા ગ્રામ્ય મામલતદારે જાહેર અપીલ કરી છે. જો તપાસ બાદ આવા કાર્ડ ધારકો મળી આવશે તો તેઓની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરાશે.

ગરીબો માટે વિતરણ કરાતું અનાજ આર્થિક સદ્ધરતાના ધોરણોમાં આવતા હોય તેવા પરિવારો પણ લેતા હોવાની અનેક રજૂઆતો ડીસા મામલતદારને મળી હતી. જેથી મામલતદારે આર્થિક સદ્ધરતાના ધોરણ જેવા કે, ફોર વ્હીલર ધરાવતા હોય, કુટુંબમાં કોઈ સરકારી નોકરી હોય, કુટુંબમાં કોઈ પેન્શન ધારક હોય, કુટુંબના કોઈ સભ્યની માસિક આવક રૂપિયા 15 હજારથી વધુ હોય, કુટુંબનો કોઈ સભ્ય ઈન્કમટેક્સ રિટર્ન કે વ્યવસાય વેરો ચૂકવતો હોય, કુટુંબ પાંચ એકરથી વધુ અને બે સિઝનથી વધુ વાવેતરવાળી પિયત જમીન ધરાવતું હોય તેમજ કુટુંબ આર્થિક સુખાકારી સદ્ધરતા ધરાવતું હોય તેવા લોકોએ પોતાના રેશનકાર્ડ એનએફએસએ યોજનામાંથી કાઢી દેવા મામલતદારે લોકોને જાહેર અપીલ કરી છે.

જાહેર અપીલમાં ગ્રામ્ય મામલતદાર ડૉ. કે.જે.ગઢવીએ જણાવ્યું કે, જો આમ કરવામાં કાર્ડ ધારક ચૂક કરશે તો તારીખ 16 એપ્રિલ પછી તપાસ રૂપે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં આવા આર્થિક સુખાકારી ધરાવતા કાર્ડ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી તેમજ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. તેઓ પાત્રતા ન ધરાવતા હોવા છતાં લીધેલા અનાજની નાણાકીય વસૂલાત પણ કરવામાં આવશે. મામલતદારે આ અપીલનો પરિપત્ર સમગ્ર તાલુકાના રેવન્યુ તલાટી, તલાટી કમ મંત્રી તેમજ સંબંધિત રેશનીંગની દુકાનના ધારાકોને કરી લોકોને જાગૃત કરવા પણ જણાવ્યું છે.