માહિતી બ્યુરો, બોટાદ
બોટાદવાસીઓની સુખાકારીમાં વધારો થાય તે હેતુસર બોટાદ નગરપાલિકા દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત આજે પ્રાંત અધિકારીશ્રી દિપકભાઈ સતાણીના હસ્તે સુવિધા સંપર્ક અને ફરિયાદ નિવારણ માટે ૭૩૮૩૭ ૯૫૪૦૨ વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. આ નંબર મારફતે બોટાદવાસીઓ લાઈટ, પાણી, સેનીટેશન અને બાંધકામ સંલગ્ન ફરિયાદ નોંધાવી શકશે. નગરપાલિકા ૨૪ કલાકમાં નિવારણ માટેના પ્રયાસો કરશે. આ વોટ્સએપ નંબર થકી લોકોની ફરિયાદ સીધી જ મળતી હોવાથી તેનો સત્વરે નિકાલ પણ લાવી શકાશે. તેમ પ્રાંત અધિકારીશ્રીએ જણાવ્યું હતું.
ઉપરાંત પ્રાંત અધિકારીશ્રી સતાણીએ ઉમેર્યુ હતું કે, બોટાદ શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે પોલીસ વિભાગ, આર.ટી.ઓ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મુસાફરો માટે શહેરમાં ફરતી તમામ રિક્ષાઓનો આગામી તા.૧૬ અને ૨૪ માર્ચના રોજ બોટાદ નગરપાલિકા કેમ્પસ ખાતે રજીસ્ટ્રેશન કેમ્પ યોજાશે. તમામ રિક્ષાધારકો નિયત અરજી ફોર્મ ભરી આ નિ:શુલ્ક કેમ્પમાં ભાગ લઈ શકશે.
બોટાદમાં રહેતા અને વેરો ભરવામાં બાકી હોય તે લોકોને સત્વરે વેરો ભરવા ઉપરાંત નગરજનોને પાણીનો બગાડ ન કરવા, રોડ ઉપર વાહન પાર્ક ન કરવા તેમજ નદીમાં ગંદકી ન ફેલાવવા પ્રાંત અધિકારીશ્રીએ અપીલ કરી હતી. નદીમાં ગંદકી કરતા કે કચરો ફેંકતા પકડાશે તો તેવા લોકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ ઉક્ત પત્રકાર પરિષદમાં પ્રાંત અધિકારીશ્રી સતાણીએ જણાવ્યું હતું.
Dharmendra lathigara, Botad