પાવીજેતપુરમાં છોટાઉદેપુર હાઇવે રોડ ઉપર સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ડિવાઈડર ઉપર કાર ચઢી : અંદર બેઠેલ પરિવારનો આબાદ બચાવ
પાવીજેતપુર ખત્રી ફળિયા પાસે છોટાઉદેપુર તરફથી આવતી એક કારના ચાલક નો સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર ઉપર ચઢી જતાં પંચાયતનો થાંભલો પાડી દીધો હતો. સદનસીબે કારમાં બેઠેલા પરિવારને કોઈ પણ પ્રકારનું નુકસાન થવા પામ્યું ન હતું.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર ખત્રી ફળિયા પાસે થી પસાર થતા છોટાઉદેપુર હાઇવે રોડ ઉપર છોટાઉદેપુર તરફથી વડોદરા તરફ જઈ રહેલ એક ઇકો કારના ચાલકનો સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા એકાએક જમણી બાજુ આવેલ ડિવાઈડર ઉપર કાર ચઢી ગઈ હતી તેમજ ડિવાઈડર ઉપર પંચાયતનો લાઈટનો થાંભલો હોય તેની સાથે અથડાય થાંભલો નીચે પાડી દીધો હતો. બુમાબુમ થતા ખત્રી ફળિયા તેમજ રોહિત વાસના રહીશો સ્થળ ઉપર દોડી જઈ કારચાલકને મદદ કરી હતી. આ ઘટનાની જાણ પાવીજેતપુર પંચાયતને થતા ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ પંચાયતના લાઈટના હેલ્પરોને લઈ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટેનું આયોજન કર્યું હતું તેમજ ખુલ્લા થઈ ગયેલા વાયરોને વ્યવસ્થિત રીતે જોડાણ કરાવ્યું હતું.
આમ, પાવીજેતપુર નગરમાં પ્રવેશ સ્થાને છોટાઉદેપુર તરફથી આવતી એક કાર ચાલકે કાર ના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી તેમજ પંચાયતનો વીજ થાંભલો પાડી દીધો હતો સદનસીબે કારમાં બેઠેલા પરિવારનો આબાદ બચાવ થવા પામ્યો હતો.