મહિલા કલાનિધિ ટ્રસ્ટ, કાણોદર દ્વારા આયોજીત કાર્યક્રમમાં પાલનપુર ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર.એન.પંડ્યાના હસ્તે લાડલી ગિફ્ટ યોજનામાં ૭ દિકરીઓને રૂ. ૨૫-૨૫ હજારની ભેટ અપાઇ

મહિલા કલાનિધિ ટ્રસ્ટ અને દાતાશ્રીઓના સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.એન.પંડ્યા

શ્રેષ્ઠ કામગીરી કરનાર નારી રત્નો ર્ડા. નિશા ડાભી અને અંકિતાબેન મહેશ્વરીનું સન્માન કરાયુંઃ સિકલસેલ એનિમીયા ધરાવતી બહેનોને પોષણ કીટ અપાઇ

           

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા કલાનિધિ ટ્રસ્ટ, કાણોદર આયોજીત કાર્યક્રમમાં પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર. એન. પંડ્યાના હસ્તે લાડલી ગિફ્ટ યોજનામાં ૭ દિકરીઓને રૂ. ૨૫- ૨૫ હજારની ફિક્સ ડીપોઝીટની ભેટ આપવામાં આવી હતી. ડૉ. વિક્રમભાઈ એમ. મહેતા મિત્ર વર્તુળ- પરિવાર, મુંબઈના અનુદાનિત ફંડમાંથી છેલ્લાં ૧૨ વર્ષથી નિયમિત પાંચ શ્રેષ્ઠ દિકરીઓને લાડલી ગીફ્ટ યોજનાનો લાભ આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાની શ્રેષ્ઠ ૭ દિકરીઓને અધિક કલેકટરશ્રીના હસ્તે વ્યક્તિગત રૂ. ૨૫,૦૦૦/- ની લાડલી ગિફ્ટની ફિક્સ ડિપોઝીટ અપાઇ હતી તથા શ્રેષ્ઠ કામગીરી કરનાર નારી રત્નો, જેમાં દાંતા ટ્રાયબલ વિસ્તારમાં મેડીકલ ઓફિસર તરીકે શ્રેષ્ઠ સેવા આપનાર ર્ડા. નિશા ડાભી અને દિકરી વધામણાનું કાર્ય કરનાર અંકિતાબેન મહેશ્વરી તથા શ્રી બેચરભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આદિજાતિ વિસ્તારમાં સિકલસેલ એનિમીયા ધરાવતી બહેનોને પોષણ કીટ આપવામાં આવી હતી. આ સંસ્થામાંથી સૌ પ્રથમવાર એફ.ડી. મેળવનાર દિકરી ધ્રુવી પ્રતિકભાઇ મિસ્ત્રીનું સાફો પહેરાવી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું   

           આ પ્રસંગે બનાસકાંઠા નિવાસી અધિક કલેકટરશ્રી આર.એન.પંડ્યાએ સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો મુખ્ય હેતુ મહિલાઓને માન- સન્માન આપવાનો છે. મહિલા ધારે તો શું ન કરી શકે તેના વિવિધ ઉદાહરણો આપતા તેમણે જણાવ્યું કે, દાનવોના સંહાર માટે મા દુર્ગાએ શક્તિનું સ્વરૂપ ધારણ કરી તેમનો નાશ કર્યો હતો. તેમણે મહિલાઓને દુષણો સામે અવાજ ઉઠાવવાનું આહવાન કરતા કહ્યું કે, ઘર, પરિવાર કે સમાજમાં ક્યાંય શોષણ થતું હોય તો મહિલાઓએ અવાજ ઉઠાવવો જોઇએ. ભગવાન બુધ્ધે પણ કહ્યું છે કે, આપણા દુઃખોનું મૂળ આપણે પોતે જ છીએ. જો આપણે આપણી જાતને મદદ કરીશું તો જ બધા લોકો આપણી મદદમાં આવશે. મહિલાઓ પર થતાં અત્યાચારો અને સતામણી અટકાવવા માટે સરકાર દ્વારા ૧૮૧ મહિલા અભ્યમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. તેના પર સંપર્ક કરીને પણ મુશ્કેલીના સમયમાં મદદ મેળવી શકાય છે. તેમણે મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર અને દાતાશ્રીઓની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, અંતરીયાળ અને છેવાડાના વિસ્તારમાં રહેતી મહિલાઓના જીવનમાં પરિવર્તન આવે અને તેમના પરિવારને લાભ મળે તે માટે કામ કરતી સંસ્થા અને દાતાશ્રીઓને અભિનંદન પાઠવી દાતાશ્રીઓ પણ આવા સેવાકાર્યોમાં ઉદાર હાથે ફાળો આપે છે તેની સરાહના કરી હતી.

          પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં મહિલા કલાનિધિ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રશ્મિબેન હાડાએ જણાવ્યું કે, છેલ્લા ૧૬ વર્ષથી દાતાશ્રીઓના સહયોગથી મહિલા કલાનિધિ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. છેલ્લા ૧૨ વર્ષથી શરૂ કરવામાં આવેલ લાડલી ગિફ્ટ યોજનામાં આજ સુધીમાં ૫૭ જરૂરીયાતમંદ દિકરીઓને ફિક્સ ડિપોઝીટનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત રમકડા બેંક, યાત્રાધામ અંબાજીથી શરૂ કરાયેલ મિશન વસ્ત્રમ પ્રોજેક્ટની સુવાસ સરહદી વિસ્તાર નડાબેટ સુધી ફેલાઇ છે. 

 માસુમ ફુલની કળી જેવી નવજાત ત્યજી દેવાયેલ દત્તક દિકરીઓ જેના માતા-પિતા કોઇ ગંભીર બિમારીથી પિડાતા હોય, અશક્ત, દિવ્યાંગ હોય અથવા જેના માતા-પિતાનું આકસ્મિક અવસાન થયું હોય તેવી એકથી પાંચ વર્ષની દિકરીઓના જીવનમાં ઉજાસ પાથરવા મુંબઇ સ્થિત પાલનપુરના જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે. દાતાશ્રીઓની ઉમદા ભાવના મુજબ લાડલી ગિફ્ટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તે દિકરીઓનું તેમના પરિવારમાં લક્ષ્મીરૂપે સન્માન થાય તેમજ રૂ. ૨૫,૦૦૦/- ની રકમ તે દિકરીઓના નામે ફિક્સ ડિપોઝીટ મુકવાથી ૧૮ વર્ષની થાય ત્યાં સુધીમાં મળનારી આ રકમનો ઉપયોગ દિકરીઓના ઉચ્ચ શિક્ષણ, લગ્ન પ્રસંગ કે દિકરીના આરોગ્યને લગતો કોઇ ખર્ચ કરવાનો થાય તે માટે આ લાડલી ગિફ્ટ યોજનાનો લાભ આપવામાં આવે છે. 

             આ કાર્યક્રમમાં નિવૃત્ત અધિક કલેકટરશ્રી એસ.એસ.વાઘેલા, શ્રી બેચરભાઇ પટેલ, શ્રીમતી વર્ષાબેન અનિકેતભાઇ ઠાકર, ધનપુરા મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. દિપક અનાવાડીયા, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીમતી રમીલાબેન રાઠોડ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી મનીષ જોષી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ર્ડા. સોની, કાણોદર સરપંશ્રી દિલીપભાઇ સાલવી, શ્રી કે. જે. મહેતા કોલેજ ઓફ પ્રિ. પ્રાયમરી એજ્યુકેશન, વિદ્યામંદિર ટ્રસ્ટના આતિયાબેન સૈયદ, આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીના સુપ્રિટેન્ડન્ટ ડૉ.એમ.યુ.પટેલ, અગ્રણીઓ સર્વશ્રી ભાઈચંદભાઈ પટેલ, પ્રકાશભાઇ ધારવા, મુસ્તુખાન સુખ, રમેશચંદ્ર પંડ્યા, અહેમદભાઇ હાડા, અકબરભાઈ બંગલા, અહમદભાઈ શેરશીયા, સીમાબેન ચૌહાણ, રેખાબેન દેસાઈ, અનિશભાઇ હાડા, રેડિયો પાલનપુરના અભિજીતસિંહ રાઠોડ, RJ અંજલી રાણા સહિત આગેવાનો, લાભાર્થી દિકરીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.