સોમનાથ મંદિર પર મહંમદ ગજનીનો આક્રમણ દરમિયાન જેટલી ચોટ ભક્તોને આસ્થા પર પહોંચી હતી એટલુંજ દુઃખ અંબાજી મંદિરમાં સત્તાધીશો દ્વારા મોહનથાળ પ્રસાદ બંધ કરવામાં આવ્યો તે ઘટનાથી : હેમાંગ રાવલ

સરકારના રૂપિયાથી વેચાતા ચીકી પ્રસાદ સામે લોકભાગીદારીથી નિઃશુલ્ક વહેંચતા મોહનથાળ પ્રસાદને ભક્તજનો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ

અંબાજી

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી શ્રી હેમાંગ રાવલ અખબારી યાદીમાં જણાવે છે કે અંબાજી મંદિરની અંદર મોહનથાળ પ્રસાદ બંધ કરીને કરોડો ભક્તજનોની આસ્થા પર જે પ્રમાણે સત્તાધીશો એ ચોટ પહોંચાડી છે આ એવા જ પ્રકારની ચોટ છે કે જે મહમદ ગજનીએ સોમનાથ મંદિર પર હુમલો કરીને આસ્થાને ચોટ પહોંચાડી હતી.

સરકાર સામે અનેક રજૂઆતો કર્યા પછી પણ ચીકી માફિયાઓના દબાણથી મંદિરમાં પારંપરિક મોહનથાળનું વેચાણ જે બંધ કરવામાં આવ્યું હતું તે હજી પણ ચાલુ કરવામાં નથી આવ્યું. બ્રહ્મ સમાજ દ્વારા સરકાર અને સિસ્ટમને તમાચો મારતી એક અનોખી પહેલ કરવામાં આવી છે.

 આજરોજ ધુળેટીના પવિત્ર દિવસથી સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો સર્વ સમાજના આગેવાનો અને અંબાજીના સ્થાનિકો દ્વારા સર્વ સમાજના દાતાઓના સહયોગથી સરકાર સામે સરકારના રૂપિયાથી વેચાતા ચીકી પ્રસાદ સામે સમાંતર નિશુલ્ક મોહનથાળ ચોખ્ખા ઘીના મોહનથાળ પ્રસાદની વિતરણ વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. આ મોહનથાળ પ્રસાદ શુદ્ધ ઘીમાં અને પવિત્ર વાતાવરણમાં બનાવીને આરાસુરી મા અંબેને સેંકડો ભક્તજનોની હાજરીમાં શાસ્ત્રોક્ત રીતે ધરાવીને ભક્તજનોને નિશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતો. 

ઉપરોક્ત નિશુલ્ક વિતરણ કાર્યક્રમમાં પરમ ધર્મ સાંસદ ના પ્રવક્તા શ્રી કિશોર શાસ્ત્રી, પ્રણેતા શ્રી રાજુ જોશી બ્રહ્મસમાજ આગેવાન શ્રી ડામરાજી રાજગોર, શ્રી દિનેશ મહેતા, શ્રી દુષ્યંત આચાર્ય, શ્રી તુલસી જોશી , શ્રી જીતુ મહેતા સર્વ સમાજના આગેવાન શ્રી સુનિલ બ્રહ્મભટ્ટ, શ્રી રાજન અગ્રવાલ, શ્રી ગૌતમ જૈન અને અંબાજીના સ્થાનિકો મોટી સંખ્યામાં આ નિશુલ્ક વિતરણ મોહનથાળ પ્રસાદના કાર્યક્રમમાં જોડાયા હતા અને ધર્મ લાભ લીધો હતો