આણંદ ડી.એન.હાઈસ્કૂલમાં માર્ગ સલામતી અંગે કાર્યક્રમ યોજાયો : વિદ્યાર્થીઓને અપાઈ ટ્રાફિકના નિયમોની વિસ્તૃત જાણકારી :૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ ટ્રાફિક નિયમોની જાણકારી આપવાથી અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય છે: આરટીઓશ્રી આર.પી.દાણી

આણંદ જિલ્લાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને ટ્રાફિક અંગેની જાણકારી મળે તે હેતુથી સહાયક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) આણંદ દ્વારા માર્ગ સલામતી કાર્યક્રમના ભાગરૂપે જાગૃતિવર્ધક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આર.ટી.ઓ અધિકારી શ્રી આર.પી.દાણીના માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે.ચૌધરી, જે.એમ ગોસ્વામી અને એસ.એ. પટેલની ઉપસ્થિતિમાં ડી.એન.હાઇસ્કુલ આણંદમાં રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકોએ ભાગ લીધો હતો.

    આરટીઓ અધિકારીએ ઉમેર્યું કે વિદ્યાર્થીઓને આરટીઓના નિયમોની જાણકારી આપવાનો હેતુ માત્ર એટલો જ છે કે આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓને નિયમોની જાણકારી હોવાથી ખોટા દંડથી બચી શકાય અને રોડ અકસ્માત પણ ઘટાડી શકાય છે.

       ધો. ૧૦,૧૧ અને ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા કક્ષાએથી જ ટ્રાફિકના નિયમોની જાણકારી આપવામાં આવે તે જરૂરી છે તેમ જણાવતા આરટીઓ અધિકારીશ્રી આર.પી.દાણીએ ઉમેર્યું કે હાલના સંજોગોમાં વાલીઓ પોતાના બાળકોને શાળા તેમજ ટ્યુશન ક્લાસમાં જવા માટે વાહન આપે છે. આવા બાળકોને રોડ સેફ્ટી અવેરનેસ અંગેનું કોઈ જ્ઞાન હોતું નથી, તેથી જે વિદ્યાર્થીઓની ઉંમર ૧૬ વર્ષ કે તેથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓએ લાઇસન્સ વગર વાહન ચલાવવું જોઈએ નહિ.

     આ ઉપરાંત ટ્રાફિકના જ્ઞાનના અભાવે વિદ્યાર્થીઓ ગમે તે જગ્યાએ પોતાનું ટુ-વ્હીલર પાર્ક કરીને જતા રહે છે. વાહન ખોટી જગ્યાએ પાર્કિંગ કરવું તે પણ ગુનો બને છે અને દંડ થાય છે તેનાથી તેઓ વાકેફ હોતા નથી. વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. વાહન કેટલી સ્પીડમાં ચલાવવું, ખોટી રીતે ઓવરટેક ન કરવો, વાહનને લગતા દસ્તાવેજો પોતાની સાથે રાખવા, આ ઉપરાંત ત્રણ સવારી વાહન ના ચલાવવું જેવી અનેક માહિતી કાર્યક્રમમાં આપવામાં આવી હતી. આરટીઓ અધિકારીએ બસ ચાલકો કે જેઓ બાળકોને સ્કૂલે મૂકવા લેવા માટે આવે છે તેવા વાહનોનું પણ આરટીઓના નિયમ મુજબ ફિટનેસ છે કે નહીં તેની પણ જાણકારી મેળવી ફિટનેસ સમયસર કરાવી લેવા માટે વાહન ચાલકોને અપીલ કરી છે.આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચૌધરીએ વિદ્યાર્થીઓને લાયસન્સ વગર વાહન ચલાવવાથી તથા દંડ અંગેની વિસ્તૃત સમજ આપી હતી. શ્રી એસ એ પટેલે વધારે સ્પીડમાં વાહન ન ચલાવવા અને ખોટું પાર્કિંગ ન કરવા જેવી અનેક બાબતોની માહિતી આપી હતી. શ્રી જે એમ.ગોસ્વામીએ વાહનોના દસ્તાવેજો પોતાની સાથે રાખીને જ ઘેરથી નીકળવું જોઈએ તથા રસ્તામાં આરટીઓ અથવા પોલીસ અધિકારી દ્વારા આવા દસ્તાવેજો માંગવામાં આવે ત્યારે તે બતાવવાની જવાબદારી પણ વિદ્યાર્થીઓની છે. આ ઉપરાંત વાહનનો વીમો નિયમિત ઉતારવો જોઈએ અને પીયુસી પણ સમયાંતરે કઢાવવા માટે તેમણે જણાવ્યું હતું.

    આરટીઓ અધિકારીશ્રી આર.પી.દાણીએ આણંદ જિલ્લાની તમામ શાળાના આચાર્યો પોતાની શાળામાં આવા સેમિનાર યોજવા માગતા હોય તો આરટીઓ કચેરીનો સંપર્ક કરવા પણ તેમણે અનુરોધ કર્યો છે. આણંદ જિલ્લાની જાહેર જનતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા આર.ટી. ઓ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રીપોર્ટર રાજેશ સોલંકી આણંદ