ડીસાથી વરનોડા જઈ રહેલા છત્રાલિયા પરિવારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જુનાડીસા પાસે અચાનક રસ્તામાં આવેલા ભૂંડને બચાવવા જતા રીક્ષા પલટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ડીસા-પાટણ હાઈવે પર રીક્ષા પલટી ખાતા એકજ પરિવારના પાંચ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ડીસા ખાતે રહેતા છત્રાલીયા પરિવારના લોકો રિક્ષામાં બેસીને વરનોડા ગામે જઈ રહ્યા હતા. તેઓ જુનાડીસા ફાટક પાસે તેઓ પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા રીક્ષા ચાલકે તેને બચાવવાની કોશિશ કરતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રીક્ષા પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા પાંચ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને વાહન ચાલકોએ અકસ્માતગ્રસ્તોને ઊભા કરી તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.