બનાસકાંઠા જિલ્લામાં ૯૦,૭૮૬ વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપશે
બોર્ડની પરીક્ષાના સુદ્રઢ આયોજન માટે નિવાસી અધિક કલેકટરશ્રી આર.એન.પંડ્યાના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ
આગામી તા.૧૪ મી માર્ચથી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. આ પરીક્ષાઓ નિર્ભય અને શાંત વાતાવરણમાં યોજાય તેમજ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાંથી ધોરણ-૧૦ અને ૧૨ ના કુલ- ૯૦,૭૮૬ વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપશે. બનાસકાંઠા જિલ્લામાં ૧૦૦ જેટલાં પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેના સુદ્રઢ આયોજન માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર.એન.પંડ્યાના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
જેમાં અધિક નિવાસી કલેકટરશ્રી આર.એન.પંડ્યાએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાઓ સહજ અને તણાવમુક્ત વાતાવરણમાં યોજાય તેવો માહોલ ઉભો કરીએ જેનાથી વિદ્યાર્થીઓ શાંત ચિત્તે સારી રીતે પરીક્ષા આપી શકે. તેમણે અધિકારીઓને સુચના આપતા જણાવ્યું કે, વિવિધ વિભાગોને સોંપવામાં આવેલ કામગીરી સુચારૂ રીતે થાય તેની કાળજી રાખીએ.
બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા.નરેન્દ્રસિંહ ચાવડાએ પરીક્ષા માટે કરવામાં આવેલ વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે બનાસકાંઠા જિલ્લામાં ધો.૧૦ના ૫૦,૯૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૩૪,૪૩૦ અને વિજ્ઞાન પ્રવાહના ૫૪૨૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રોમાં સી.સી.ટી.વી કેમેરા તથા ટેબ્લેટ ગોઠવવામાં આવ્યા છે. પરીક્ષા સમય દરમ્યાન સતત વીજ પુરવઠો જળવાઇ રહે અને વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે આવવા-જવા સમયસર બસ મળી રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પરીક્ષાના સ્થળોની અંદર બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ છે અને સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની ખાસ કાળજી લેવાશે.
આ બેઠકમાં વિવિધ મંડળના પ્રમુખશ્રીઓ સહિત અધિકારીઓ અને પરીક્ષા સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.