પાવીજેતપુર શિક્ષણ શાખાના અનગઢ વહીવટના કારણે ૫૦ જેટલા શિક્ષકો ઉચ્ચતર પગાર ધોરણના કેમ્પથી વંચિત

        પાવીજેતપુર તાલુકા શિક્ષણ શાખાના અનગઢ વહીવટના કારણે ૫૦ જેટલા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના કેમ્પથી વંચિત રેહવું પડ્યું છે તેમજ ૧૭૫ જેટલી પ્રાથમિક શાળા ના ૭૫૦ જેટલા શિક્ષકો મળવા પાત્ર લાભોથી વંચિત રહેતા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને લેખિતમાં રજૂઆત કરી યુદ્ધના ધોરણે કામ કરવા રજૂઆત કરવામાં આવી છે. 

           પાવી જેતપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને લેખિતમાં રજૂઆત કરી જણાવવામાં આવ્યું છે કે શિક્ષકોનું ઉચ્ચત્તર પગાર ધોરણ પગાર ચકસણી એકમ માંથી ચકાસણી થઇને ઘણા સમય પહેલા આવી ગયેલ તેવા શિક્ષકોને તેના હુકમો આપવામાં આવે તો સમયસર પગાર આકારી શકે. પરંતુ આ હુકમો આજ દિન સુધી કચેરી માંથી આપવામાં આવેલ નથી તો હુકમો સત્વરે આપવા, ચાલુ માસમા (ફેબ્રુઆરી) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીના પત્ર મુજબ ગત ૧૪/૦૨/૨૦૨૩ ના રોજ ઉચ્ચત્તર પગાર ધોરણનો કેમ્પ જિલ્લા કક્ષાએ હતો અને તે સેવાપોથીઓ ૨૦/૦૨/૨૦૨૩ ના રોજ પગાર ચકાસણી એકમ ગાંધીનગર ખાતે રજુ કરવાની હતી તેમા પાવીજેતપુર તાલુકાના અંદાજીત ૫૦ જેટલા શિક્ષકો આ લાભથી વંચીત રહી ગયા છે. છોટાઉદેપુર જિલ્લાના અન્ય પાંચ તાલુકાના શિક્ષકોની ઉચ્ચતર પગાર ધોરણની ફાઈલ ૨૦ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર પહોંચી ગઈ છે ત્યારે પાવીજેતપુર તાલુકાના શિક્ષકોની એક પણ ફાઈલ આ માસે ગાંધીનગર પહોંચાડવામાં આવી નથી.તો તે માટે જવાબદાર કોણ ? આવા વેધક સવાલો શિક્ષણ આલમ માં ઉઠી રહ્યા છે.

           સી.પી.એફ. ખાતા ધારક શિક્ષકોની દર માસની સી.પી.એફ. કપાતના નાણા પાછલા ઘણા સમયથી જમા થયા નથી, જે નાંણા વહેલી તકે જમા કરવા, નિયામક સાહેબશ્રીના પત્ર મુજબ આવનાર સમયમાં દરેક શિક્ષકોની સેવાપોથી SAS પોર્ટલ ઉપર ઓનલાઇન કરવાની હોવાથી સેવાપોથી અપડેટ કરવી, પાવીજેતપુર તાલુકાની શિક્ષણ શાખાની ઓફીસનુ અડધુ ઉપરાંત રેકર્ડ જુની ઓફીસે હોવાથી વારંવાર નવી અને જુની ઓફીસમાં આવન-જાવન થતુ હોવાથી સમયનો બગાડ થાય છે તેથી તમામ રેકર્ડ નવી ઓફીસે સિફ્ટ કરવો ખૂબ જરૂરી છે. વર્ષ:-૨૦૧૭ મા નિમણુંક પામેલ વિધ્યાસહાયકો પુરા પગારમા આવતા તેઓના સી.પી.એફ.ખાતા વહેલી તકે ખોલવા, પ્રવાસી શિક્ષકોના પગારની ગ્રાન્ટ જિલ્લા કક્ષાએથી આવી ગયેલ હોય, પ્રવાસી શિક્ષકોનો પગાર કરવો, ફેબ્રુઆરી માસનુ ઓનલાઇન પગાર બીલ એક્ટીવ થયેલ નથી,પગાર બીલ એકટીવ થાય તો ઇન્કમટેક્સમાં છેલ્લો હપ્તો કેટલો કાપવો તેની પણ શિક્ષકોને સમજ પડે, સરકારશ્રીના ઠરાવ મુજબ વિધ્યાસહાયકોની પાંચ વર્ષ સળંગ ગણી ઉચ્ચત્તર પગાર ધોરણ આપેલ છે. જેથી આ લાભ જે શિક્ષકોને મળેલ છે તેઓને પુરવણી બીલ ચુકવવા પાત્ર થાય છે, આ પુરવણી બીલની ગ્રાન્ટ પણ જિલ્લા કક્ષાએથી આવી ગયેલ છે તો પુરવણી બીલો ચુકવાય એ જરૂરી છે.

           આમ, પાવીજેતપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગ ના અનગઢ વહીવટના કારણે પાવીજેતપુર તાલુકાના ૭૫૦ જેટલા શિક્ષકોને લાભથી વંચિત રહેવું પડી રહ્યું છે તો તંત્ર અંગે ઘટતું કરે છે ખૂબ જ જરૂરી છે.