ડીસામાં લાલચાલી વિસ્તારમાં રહેતા મનોજ ઠાકોર અને અંકિત ઉર્ફે માઈકલ ઠાકોર ઉપર અપશબ્દો બોલવા બાબતે બે દિવસ અગાઉ સરકારી હોસ્પિટલ પાસે હુમલો થયો હતો. જેમાં ચાર શખ્સોએ કુહાડી ધારિયા અને તલવાર વડે હુમલો કરતા બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ મામલે ફરિયાદ નોંધાતા ડીસા શહેર ઉત્તર પોલીસે આ ગુન્હાના મુખ્ય આરોપી મુકેશ સોની અને રાહુલ ઠાકોરની અટકાયત કરી છે અને બંનેના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી ગુનામાં વપરાયેલી કુહાડી પણ જપ્ત કરી છે. જ્યારે હુમલો કરવામાં અન્ય બે આરોપીઓ રાહુલ ઠાકોર અને કિરણ ઉર્ફે કાળુ ઠાકોરના પણ નામ ખુલ્યા છે. જેથી પોલીસે અત્યારે બે આરોપીઓની અટકાયત કરી અન્ય બે આરોપીઓની તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા આ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને અગાઉ મારામારી અને રાયોટીંગના ગુનાઓમાં સંડોવાયેલા છે. ત્યારે આમ નિર્દોષ જનતાને વારંવાર રંજાડી આતંક મચાવતા આવા રીઢા ગુનેગારો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે.