રક્ત એક એવી વસ્તુ છે જે કોઇ ફેક્ટરીમાં બનતું નથી અને જીવન માટે પણ ખૂબ જ જરૂરી છે અને તેની પૂર્તિ માત્ર રક્તદાન થકી જ થઈ શકે છે. ત્યારે ડીસાના બે યુવાનોએ આ અમૂલ્ય રક્ત અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું અને તેમાં પાંચસો યુનિટ કરતાં પણ વધારે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. તો આવો જોઇએ આ વિશેષ રક્તદાન કેમ્પમાં શું હતી વિશેષતા...

આજના સમયમાં ઘણા એવા કિસ્સાઓમાં લોકોનો જીવ રક્તની અછતના લીધે થતો હોય છે. ત્યારે રક્તની આ અછત દૂર થાય અને દરેક લોકો રક્તદાન કરવા માટે જાગૃત બને તે માટે રવિવારે ડીસા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા ખાતે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં સાડા ચારસોથી વધારે રક્તદાતાઓએ રક્તદાન કરીને વિક્રમ સર્જી દીધો હતો. આજે રક્તદાન કરવા આવેલા રક્તદાતાઓમાં રક્તદાન પ્રત્યે ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીસાના વિજયભાઇ ઠાકોર અને કનુભાઇ ઠાકોર (સોલંકી) દ્વારા આયોજીત આ રક્તદાન કેમ્પની એક વિશેષતા એ પણ હતી કે, આ રક્તદાન કેમ્પમાં જે રક્ત એકત્રિત થશે તે રક્ત જ્યારે કોઇ જરૂરીયાતમંદને જરૂર પડશે ત્યારે કોઇ પણ પ્રકારના લેબ ચાર્જ લીધા વગર એકદમ નિ:શુલ્ક આપવામાં આવશે અને આ ઉપરાંત લેબોરેટરીનો પણ જે ચાર્જ થશે તે આ બંને યુવાનો દ્વારા ઉઠાવવામાં આવશે.

આ ઉપરાંત રક્તદાન કરનાર દરેક દાતાને પુરસ્કાર તેમજ તેમના માટે વીમાકવચની પણ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે. આટલા ઉમદા હેતુથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ પણ પહોંચીને રક્તદાન કર્યું હતું અને રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી હતી.

આ અંગે કેમ્પના આયોજક કનુભાઇ સોલંકી અને વિજયભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, 'આજના સમયમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે અને સરળતાથી જરૂરી એવું લોહી મળી રહે તેવો અમારો હેતુ છે.'