જૂનાગઢ મુચકુંદ મહાદેવની જગ્યા ખાતે 17 પુુરૂષો, 7 મહિલાએ સન્યાસ ધારણ કર્યો

​​​​​​​હવે 2 દિવસ અન્નજળનો ત્યાગ કરી કુંભમાં અનુષ્ઠાન, બાદમાં મંત્રદિક્ષા અપાશે

આદિ શંકરાચાર્ય થી શરૂ થયેલી આ પરંપરામાં સન્યાસ ધર્મની રક્ષા, પ્રચાર-પ્રસાર માટે નાગા સન્યાસી બનાવાય છે...મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરી 

જૂનાગઢના દામોદર કુંડ પાસે આવેલ મુચકુંદ મહાદેવ મંદિર અને મહાભારતકાળ સાથે સંકળાયેલ ઐતિહાસિક મુચકુંદ ગુફા ખાતે નાગાસન્યાસીઓની દિક્ષાનો ઉત્સવ આયોજીત કરાયો હતો જેમાં 17 પુરૂષો અને 7 મહિલાઓએ સન્યાસ ધારણ કરી પોતાની જાતને ધર્મના પ્રચાર પ્રસાર અને રક્ષા કાજે સમર્પિત કરી હતી આ અંગે મુચકુંદ મહાદેવ મંદિરના મહંત અને મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગિરીજી એ જણાવ્યું હતુંકે, સામાન્ય રીતે કુંભમાં દિક્ષાનું અનેરૂં મહત્વ હોય છે. દેશમાં હરિદ્વાર,પ્રયાગરાજ, ઉજ્જૈન અને ત્રંમ્બકેશ્વર એમ 4 સ્થળે કુંભ થાય છે. આની અંદર નાગા સાધુને દિક્ષા અપાતી હોય છે. જૂનાગઢને મિનીકુંભ જાહેર કરાયો છેે. અહિં દેશ,વિદેશથી હજ્જારો સાઘુ, સંતો આવે છે.

જ્યાંની ભૂમિ પવિત્ર હોય, તિર્થસ્થાન હોય,ઘાટ હોય અને યાત્રાળુઓ આવતા હોય ત્યાં દિક્ષા આપી શકાય છે. ત્યારે જૂનાગઢની ભૂમિ પવિત્ર છે,ગિરનારી મહારાજનું પાવન સાનિધ્ય છે, દામોદર કુંડનો ઘાટ હોય 17 પુરૂષો અને 7 મહિલા મળી કુલ 24ને દિક્ષા આપવામાં આવી છે. હવે આ તમામ સંસાર છોડી સન્યાસ ધારણ કરશે. જોકે, હજુ અખાડાની પરંપરા મુજબ કુંભમાં 2 દિવસ અન્નજળ ત્યાગ કરી અનુષ્ઠાન કરાશે. મંત્ર દિક્ષા તો અપાઇ છે હવે વિદ્યાહોમ કરી પછી નાગા સન્યાસીની દિક્ષા અપાશે. ખાસ કરીને સનાતન ધર્મની સેવા, પ્રચાર-પ્રસાર કરવા દિક્ષા આપી નાગા સન્યાસી બનાવવામાં આવે છે. શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન પણ આપવામાં આવે છે જેથી જેમ સરહદે સૈનિકો દેશની રક્ષા કરે છે તેમ સન્યાસીઓ ધર્મની રક્ષા કરી શકે.

શૈલેષ પટેલ.....જૂનાગઢ