માતાજીની કૃપાથી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન: પરિક્રમા દરમિયાન કુલ- ૩.૩૧ લાખ લોકોએ માતાજીના દર્શન કર્યા
સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઇ કર્મીઓનું માતાજીના પ્રસાદની કીટ આપી સન્માન કરાયું
પરિક્રમા મહોત્સવ પુરો થયો છે પરંતું માઇભક્તો બારેમાસ ૫૧ શક્તિપીઠના દર્શન કરી શકશેઃ દરેક શ્રધ્ધાળુઓએ વર્ષમાં એકવાર અવશ્ય પરિક્રમા કરવી જોઇએ.. કલેક્ટરશ્રી આનંદ પટેલ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીની અસીમ કૃપાથી શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન થતાં ગબ્બર તળેટી પરિક્રમા પ્રવેશ ખાતે માતાજીની પૂજા-અર્ચના કરી મહોત્સવની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રવેશ ચોક ખાતે સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઇ કર્મીઓનું માતાજીના પ્રસાદની કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તા. ૧૨ મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા "શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ" ના છેલ્લા દિવસે આજે ૧૨ હજાર જેટલાં શ્રધ્ધાળુઓએ પરિક્રમા કરી માતાજીના દર્શન કર્યા હતા. આમ સમગ્ર પરિક્રમા દરમિયાન છેલ્લા છ દિવસમાં કુલ- ૩.૩૧ લાખ યાત્રાળુઓએ શ્રી ૫૧ શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી ગબ્બર ખાતે એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠોના દર્શન કરવાનો લ્હાવો મળતા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અને અંબાજી મંદિરના આમંત્રણને પગલે સમગ્ર રાજ્યમાંથી યાત્રાળુઓએ અંબાજી પધારી ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરી મા ના દર્શન કર્યા છે. શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પુરો થયો છે પરંતું માઇભક્તો બારેમાસ અંબાજી ગબ્બર ખાતે આવેલ ૫૧ શક્તિપીઠના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવેલી છે ત્યારે દરેક શ્રધ્ધાળુઓએ વર્ષમાં એકવાર ૫૧ શક્તિપીઠની અવશ્ય પરિક્રમા કરવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દરમિયાન પરિક્રમા પથના સંકુલોમાં ભજન મંડળીઓ દ્વારા ભજન સંત્સંગ, આદિજાતિ બાહુલ્ય ધરાવતા આ વિસ્તારના જનજાતિ સમાજ સહિત વિવિધ સમાજ દ્વારા પરિક્રમા કરવામાં આવી, ગુજરાત ટુરીઝમ દ્વારા ગબ્બર તળેટી અને પરિક્રમા માર્ગ ખાતે અદ્યતન રોશની કરાવામાં આવી, પરિક્રમા પથ તથા ગબ્બર ટોચ ખાતે વિશેષ સફાઇ અભિયાન હાથ ધરીને સારી રીતે સ્વચ્છતા જાળવવામાં આવી, ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર જિલ્લાઓમાંથી ૨૫૦૦ જેટલી બસો દ્વારા યાત્રિકોને અંબાજી સુધી આવવા- પરત જવાની સુવિધા પુરી પડાઇ, પરિક્રમા પથ પર ૮ જગ્યાએ આરોગ્ય સુવિધાઓ, પરિક્રમા મહોત્સવ દરમિયાન યાત્રાળુઓ માટે દાંતા રોડ કોલેજ ખાતે, અંબિકા ભોજનાલય તથા ગબ્બર ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની યાત્રાળુઓએ સરાહના કરી વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.