લોકોના હિતના કામો ખુબ ઝડપથી થાય તે માટે અધિકારીઓ, પદાધિકારીઓને તાકીદ કરતા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત
પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે રૂ. ૧૯.૪૦ કરોડના ૯૮૭ વિકાસ કામોને મંજૂરી આપાઇ
પાલનપુર કલેકટર કચેરી ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીશ્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. બેઠકમાં વર્ષ-૨૦૨૩-૨૪માં બનાસકાંઠા જિલ્લા માટે ફાળવાયેલ કુલ રૂ. ૧૮.૭૫ કરોડની ગ્રાંન્ટ સામે કુલ રૂ. ૧૯.૪૦ કરોડના ૯૮૭ વિકાસ કામોનું આયોજન મંજુર કરવામાં આવ્યું હતું. જિલ્લાના આયોજનમાં ૧૫ ટકા વિવેકાધિન- સામાન્ય, ખાસ અંગભૂત યોજના, ૫ ટકા પ્રોત્સાહક યોજના અને આદિજાતિ પેટા વિસ્તાર યોજના વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લાની ૬ નગરપાલિકાઓ દ્વારા રૂ. ૧.૬૨ કરોડના ૩૨ કામોનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતુ. આ વિકાસ કામોમાં સ્થાનિક વિકાસના કામો, રસ્તા અને પાણી પુરવઠાના કામો, પૂર સંરક્ષણ દિવાલ, પેવરબ્લોક, ગટરલાઇન, સ્વચ્છતા, શિક્ષણ વગેરે કામોનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે વિકાસ કામોને મંજુરી આપતા જણાવ્યું હતું કે, આજે રજૂ કરવામાં આવેલા તમામ વિકાસ કામોને મંજુરી આપવામાં આવે છે. લોકોના હિતના કામો ખુબ ઝડપથી થાય તે માટે અધિકારીઓ-પદાધિકારીઓને મંત્રીશ્રીએ તાકીદ કરી હતી. રાજ્ય સરકારશ્રીની યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિઓ અને વિસ્તાર સુધી સરળતાથી પહોંચે અને તેઓ વિકાસની મુખ્યધારામાં જોડાય તે માટે વિશેષ પ્રયત્નો કરવા જણાવ્યું હતું. મંજુર કરાયેલા વિકાસકામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમણે અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતુ.
આ બેઠકમાં લોકસભા સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ, રાજ્ય સભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા, ધારાસભ્યો સર્વશ્રી અનિકેતભાઇ ઠાકર, શ્રી કેશાજી ચૌહાણ, શ્રીમતી ગેનીબેન ઠાકોર, શ્રી કાંતિભાઇ ખરાડી, શ્રી અમૃતભાઇ ઠાકોર, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. એન. પંડ્યા, જિલ્લા આયોજન અધિકારીશ્રી આર.એમ.ઝાલા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.