શ્રી ૫૧ પરિક્રમા મહોત્સવ પાંચમો દિવસ..

રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડિયા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક સહભાગી બન્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યાત્રાધામ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરી એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ આપ્યો છે : સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડિયા

પર્યાવરણની જાગૃતિ માટે વન વિભાગ દ્વારા તુલસી યાત્રા યોજાઇ: ૫૧ શક્તિપીઠો પાસે તુલસીના રોપાઓનું વાવેતર કરાયું

     વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ગુજરાતના ખૂણે ખૂણેથી માઇભક્તોનો અવિરત પ્રવાહ ઉમટી રહ્યો છે ત્યારે મહોત્સવના પાંચમા દિવસે રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડિયાએ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પાંચમા દિવસે ભક્તિભાવપૂર્વક સહભાગી બની માઇભક્તો સાથે પરિક્રમા કરી હતી. 

આ પ્રસંગે આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદારશ્રી અને નાયબ કલેક્ટર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીશ્રીઓ દ્વારા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સાંસદશ્રી દિનશભાઈ અનાવાડિયાનું ઉમળકાભેર સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા. આજે પરિક્રમામા પાંચમા દિવસે પર્યાવરણની જાળવણી અને જાગૃતિ માટે વન વિભાગ દ્વારા તુલસી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા લોકભાગીદારીથી વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ૫૧ શક્તિપીઠો પાસે તુલસીના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

         આ પ્રસંગે સાંસદશ્રી દિનશભાઈ અનાવાડિયાએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે એક જ સ્થળે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરી ગુજરાત સહિત ભારતમાં અને દેશ વિદેશમાં વસતા લાખો માઇભક્તોને એક જગ્યાએ ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ આપ્યો છે ત્યારે તમામ માઇભક્તોને આવકારી માં જગદંબા તમામ માઇભક્તોના મનોરથ પુરા કરે એવી માં ના ચરણોમાં પ્રાર્થના કરું છું એમ જણાવી સાંસદશ્રીએ હજારો શ્રધ્ધાળુઓ સાથે પરિક્રમા કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ દસ મંદિર ખાતે હોમાત્મક વિધિ સાથે પૂજા અર્ચના કરી ભક્તિભાવપૂર્વક યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી. તથા રાજ્યની સુખ , શાંતિ અને સમૃદ્ધિ વધે અને ૫૧ શક્તિપીઠની પરિક્રમામાં પધારેલા તમામ માઇભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય એવી માં જગદંબાને પ્રાર્થના કરી હતી.

         આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી દિનેશભાઇ દવે, અગ્રણીશ્રી લાલજીભાઈ પ્રજાપતિ, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.