ખંભાતના સરકારી અનાજના ગોડાઉન ખાતે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા ઓચિંતી મુલાકાત બાદ અનાજના વજનમાં ઘટ આવતા સમગ્ર કૌભાંડ સામે આવતા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા જિલ્લા પૂરવઠા અધિકારીઓ સહિત અધિકારીઓનો કાફલો ખંભાતના સરકારી ગોડાઉન ખાતે તાબડતોબ દોડી આવી તપાસ આદરી છે.
આ અંગે ખંભાતના ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ખંભાત તાલુકાના દુકાનદારો દ્વારા મને વારંવાર રજુઆત કરવામાં આવી હતી કે, સરકારી ગોડાઉનમાંથી આવતા અનાજમાં ઘટ આવે છે.જેના પગલે સરકારી ગોડાઉનમાં મુલાકાત કરી ભરેલી અનાજની બોરીઓ ચેક કરતા જેમાં ૨૦૦ થી ૪૦૦ ગ્રામ અનાજની ઘટ આવી હતી.નોંધનીય છે કે, ૧૫ હજારથી વધુ ભરેલી અનાજની બોરીઓ દુકાનદારોને વિતરણ કરાય છે જેમાંથી હજારો કિલો અનાજ બારોબાર કટકી કરાઈ રહી છે.કૌભાંડ આચરનાર અને સંડોવાયેલા કૌભાંડીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ સદર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી.
ફરિયાદ બાદ ખંભાતના સરકારી ગોડાઉન ખાતે મામલતદારની હાજરીમાં જિલ્લા પુરવઠા અધિકારી તેમજ અન્ય અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(સલમાન પઠાણ-ખંભાત)