અંબાજી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી સુધી ‘ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ‘ નો શુભારંભ થયો છે. જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિનામૂલ્યે આ મહોત્સવમાં ભાગ લઈ શકે એ માટે વિશેષ સેવાયજ્ઞના ભાગરૂપે રોજની ૫૦૦ બસો મળી કુલ ૨૫૦૦ બસો આ પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લા માટે ૧,૨૦૦ બસો અને ૧૩૦૦ બસો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર,અમદાવાદ જિલ્લાના તાલુકાઓ અને ગામડે આવી છે. જેના દ્વારા માઇભક્તો આ પંચ મહોત્સવનો લાભ લઈ માં અંબાના દર્શન કરી
ધન્યતાનો અનુભવ કરી શકશે. એસ.ટી નિગમ દ્વારા પંચ દિવસીય પરિક્રમા મહોત્સવ માટે રોજની ૫૦૦ અને કુલ ૨૫૦૦ બસોના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેના થકી દર્શનાર્થીઓ મા અંબાના ખોળે પરિક્રમા પથ સુધી નિર્વિઘ્ને પહોંચી પરિક્રમા કરી પોતાના માદરે વતન પરત ફરે ત્યાં સુધીની સુંદર સુવિધા એસ.ટી નિગમ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે.